જામનગરના શેઠ પરિવારની પ્રેરણાદાયી પહેલ: લગ્નના ચાંદલાની રકમ જળસંચયના કામોમાં અર્પણ કરી
લગ્ન પ્રસંગ એ કોઇપણ પરિવાર માટે કાયમનું સંભારણું બની રહેતું હોય છે. પરિવારનો આ પ્રસંગ સર્વે મહેમાનો અને સમાજ માટે પણ યાદગાર ઉપરાંત પ્રેરણાદાયી અને સ્તુત્ય બની રહે તેવી અનોખી પહેલ કરવામાં આવી હતી.
જામનગરના જાણીતા સમાજ સેવક જૈન અગ્રણી અને જળસંચયના પ્રણેતા એવા શરદભાઇ શેઠના પૂત્ર કવચિતના લગ્ન દેવકી સાથે આગામી તા.૨૬.૧.ના રોજ યોજાશે, લગ્નપૂર્વે ગત તા.૧૫.૧ ના રોજ મિટ એન્ડ ગ્રીટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ ચાંદલાની રકમ રૂા.૧,૮૮,૦૦૦ માં તેટલી જ રકમ શેઠ પરિવારે ઉમેરીને રૂા.૩,૭૬,૦૦૦ માંથી જળ સંચયના કાર્યો કરવામાં આવશે.
આમ, શેઠ પરિવારે આજના દેખાદેખીથી બેફામ ખર્ચે થતા લગ્નને બદલે પરંપરાગત રીતે લગ્ન કરવાની સાથે સમાજ હિતના કાર્યોમાં સહયોગ મેળવવાની તેમની આ પહેલે સમાજના અન્ય લોકોને પણ સત્કાર્ય કરવાની નવી રાહ ચીંધી છે.