Get The App

હોટેલમાં કામ કરી શકે તેવા રોબોટ સહિતના ૭૦ જેટલા ઈનોવેશન્સ પ્રદર્શિત થયા

Updated: Feb 8th, 2025


Google News
Google News
હોટેલમાં કામ કરી શકે તેવા રોબોટ સહિતના ૭૦ જેટલા ઈનોવેશન્સ પ્રદર્શિત થયા 1 - image

વડોદરાઃ વિદ્યાર્થીઓના ઈનોવેશન્સને પ્રોત્સાહન આપવા માટેના બે દિવસના મેકર્સ ફેસ્ટનો આજથી એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ખાતે પ્રારંભ થયો હતો.જેમાં ૭૦ જેટલા ઈનોવેશન અને વિદ્યાર્થીઓના પ્રોજેકટસ રજૂ થયા છે.

શહેરની યુવાલય સંસ્થા અને વડોદરા ઈનોવેશન કાઉન્સિલ દ્વારા એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના સહયોગથી મેકર્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓએ તેમાં રેસ્ટોરન્ટ કે મોલમાં કામ કરી શકતા રોબોટથી માંડીને ફેફસાના કેન્સરની નાક વાટે લઈ શકાતી દવા જેવા અલગ અલગ પ્રકારના ઈનોવેશન્સ રજૂ કર્યા છે.

વેઈટર કે મોલના કર્મચારીની ગરજ સારતો રોબોટ  બનાવનાર વિદ્યાર્થીઓ નચિકેત સોમાની, તર્જ વૈષ્ણવ અને ઓવેશ ભાડાએ કહ્યું હતું કે, આ રોબોટ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી એમ ચાર ભાષા બોલી શકે છે.રોબો ફેસ્ટ નામની ઈવેન્ટમાં અમારા આ ઈનોવેશનને અઢી લાખ રુપિયાનું પ્રાઈઝ પણ મળ્યું હતું.રોબોટનું અમે અમારી કોલેજમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરી ચૂકયા છે.તે ચહેરા યાદ રાખી શકે છે અને અવાજ પણ ઓળખી શકે છે.

એમફાર્મના વિદ્યાર્થી રવિ પાંડેએ અધ્યાપક ડો.હેમલ ટંડેલના માર્ગદર્શન હેઠળ ફેફસાના કેન્સરના દર્દીઓ માટે નાકથી લઈ શકાય તેવી નેનો પાર્ટિકલ આધારિત દવા બનાવી છે.તેનું કહેવું છે કે,  ફેફસાના કેન્સરની બીજી દવાઓ ઈન્જેક્શન વાટે લેવામાં આવે છે ત્યારે તે શરીરના બીજા ભાગોમાં પણ પ્રસરે છે.જ્યારે આ દવાની ખાસિયત એ છે કે, તે કેન્સરના સેલને જ ટાર્ગેટ કરે છે.આમ ઓછા ડોઝમાં આ દવા વધારે અસર કરે છે.તેને નાક વાટે ઈન્હેલરની જેમ લઈ શકાય છે.એટલે દવા લેવામાં પણ આસાની રહે છે.કેન્સર ગ્રસ્ત સેલ પર લેબોરેટરીમાં ં અને ઉંદરો પરના પરિક્ષણમાં તેના ઉત્સાહજનક પરિણામ દેખાયા છે.આ દવાની ક્લિનિકલ ટ્રાયલ હજી બાકી છે.

મોબાઈલ ટાવર પર ચઢીને કામ કરી શકે તેવો રોબોટ 

હર્ષદ શાહ, શિવમ સોની, વ્રિતિ પંજાબી નામના સ્ટુડન્ટસની ટીમે મોબાઈલ ટાવર જેવી જોખમી જગ્યાઓ પર સીડી પર જાતે ચઢીને કામ કરી શકે તેવો રોબોટ બનાવીને રજૂ કર્યો છે.તેમણે કહ્યું હતું કે, આ રોબોટથી રિપેરિંગથી માંડીને કલર કરવાના કામ કરાવી શકાય છે.તેને નીચે રહીને ઉંચાઈવાળી જગ્યાએ ઓપરેટ કરી શકાય છે.

ફોટોગ્રાફ જોઈને  પ્લાન્ટને  થયેલા રોગની જાણકારી આપતી એપ 

નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ મંત્ર પટેલ, જલ કાકા, એલ્જિન ફેલ્કિસે એઆઈ આધારિત એવી  એપ બનાવી છે જે કોઈ પણ પ્લાન્ટસનો તેના ફોટોગ્રાફના આધારે પરિચય આપી શકે છે.તેને જો કોઈ રોગ થયો હોય તો તેની પણ જાણકારી ફોટોગ્રાફના આધારે આપી શકે છે.વિદ્યાર્થીઓ બહુ જલ્દી આ એપને લોન્ચ કરવાના છે અને તેના માટે તેઓ ભંડોળ એકઠું કરી રહ્યા છે.

બગીચામાં પાંદડાઓની સફાઈ કરતું મશિન બનાવ્યું 

વિદ્યાર્થીઓ વિવેક બ્રહ્મભટ્ટ, વિશ્વા ઠક્કર, સલૌની જોષી અને ઉદિત ધોરાજીયાએ બગીચાઓમાં પાંદડાઓની સફાઈ કરી શકતું ઈલેક્ટ્રિકલ મશિન બનાવ્યું છે.જે બજારમાં મળતા બીજા મશિન કરતા ઘણું સસ્તું પણ છે.વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, આ મશિનની પેટન્ટ મેળવવા માટે પણ અમે કાર્યવાહી કરી છે.

Tags :
innovationsmakers-fest-in-vadodaravadodara

Google News
Google News