Get The App

અયોધ્યામાં કેટરર્સના મોટા કોન્ટ્રાક્ટની ખટપટમાં નિર્દોષ મિત્ર બન્યો'તો શિકાર

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
અયોધ્યામાં કેટરર્સના મોટા કોન્ટ્રાક્ટની ખટપટમાં નિર્દોષ મિત્ર બન્યો'તો શિકાર 1 - image


ગોંડલનાં મોટા મહિકા ગામની મર્ડર મિસ્ટ્રીમાં ફરાર સૂત્રધાર ઝડપાયો

રાજકોટના કેટરર્સને અયોધ્યામાં કોન્ટ્રાક્ટમાં રૃા.૨૦ લાખનો ચૂનો લાગતાં થતી ઉઘરાણી અને પરિચિતો ત્યાં કામ અપાવવા વારંવાર પૂછતા હોવાથી પીછો છોડાવવા ભયાનક ષડયંત્ર રચ્યું !

ગોંડલ :  ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામે મિત્ર સંદીપગીરી અમૃતગીરી ગોસ્વામીની હત્યા કરીને લાશ સળગાવી નાખી ખુદને મૃત જાહેર કરવાનો પ્રયાસ કરવાની ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં અંતે પોલીસે મુખ્ય આરોપી હસમુખ મૂળશંકર ધાનજા (ઉ.વ ૪૬)ને ગત મોડી સાંજે રાજકોટથી જૂનાગઢ તરફ જઈ રહ્યો હોવાની બાતમીનાં આધારે વોચ ગોઠવીને ઝડપી લીધો હતો. જેને આજે કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસનાં રિમાન્ડ પર લઈ તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો હતો. આજે પોલીસની પ્રાથમિક પુછતાછમાં તેણે એવી કેફિયત જણાવી હતી કે, અયોધ્યામાં કેટરીંગ કોન્ટ્રાક્ટમાં રૃા.૨૦ લાખનો ચૂનો લાગતા થતી ઉઘરાણી અને પરિચીતો ત્યાં કામ અપાવવા વારંવાર પુછતા હોવાથી પીછો છોડાવવા ભયાનક ષડયંત્ર રચ્યું હતું.

વિગતો મુજબ, ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે ગત તારીખ ૨૯/૧૨ના મકાનમાંથી સળગેલી હાલતમાં લાશ મળી હતી. પ્રથમ આ લાશ હસમુખ મૂળશંકરભાઈ ધાનજા (ઉ.વ ૪૬, રહે. રાજકોટ)ની હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પોલીસની તપાસમાં આ લાશ ખરેખર હસમુખના મિત્ર સંદીપગીરી અમૃતગીરી ગોસ્વામી (રહે. નાગેશ્વર, જામનગર રોડ, રાજકોટ)ની હોવાનું માલૂમ પડયું હતું. જેથી મૃતકની પત્ની ગાયત્રીબેનની ફરિયાદ પરથી હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો. જો કે, બાદમાં પણ હસમુખનો કોઈ પત્તો નહીં લાગતા હત્યાનાં કારણ અંગેનું રહસ્ય વધુ ઘેરું બન્યું હતું. પ્રાથમિક તબક્કે તેણે પોતાનો મોટો વીમો પકવવા માટે ષડયંત્ર રચ્યાની વાત વહેતી થઈ હતી, પણ પોલીસે તપાસ કરતા એક પણ વીમા પોલિસી મળી નહોતી.

આ દરમિયાન પોલીસને બાતમી મળી કે, મોટા મહિકા ગામે લાશ મળી એ આરોપી હસમુખનાં પૂર્વજોનું મકાન હતું, જ્યાં એ ગત તા.૨૮મીએ આવ્યો ત્યારે એક તરૃણ પણ સાથે હતો, જેથી શોધખોળનાં અંતે પોલીસે શાપર વેરાવળથી એ સગીરને શોધી કાઢ્યો હતો, જેણે મૃતક સંદીપગીરીને કઈ રીતે બેભાન કરીને ગળાટૂંપી આપી હત્યા બાદ પેટ્રોલથી લાશ સળગાવી હતી, એ ઘટનાક્રમ વર્ણીવી દીધો પણ આવું કરવા પાછળનું કારણ તેને પણ ખબર નહોતી. આ દરમિયાન એલસીબી પીઆઈ વી. વી. ઓડેદરા, એસઓજી પીએસઆઈ બી. સી. મિયાત્રા અને ગોંડલ તાલુકા પોલીસના પીઆઈ જે. પી. રાવ વગેરે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી, જેના અંતે ગત મોડી સાંજે આરોપી હસમુખ ધાનજા રાજકોટથી જુનાગઢ તરફ જતો હોવાની માહિતી મળતા પોલીસે રસ્તામાં જ આરોપીને દબોચી લીધો હતો.

આજે બપોરે આરોપી હસમુખની પુછતાછ કરતા કબુલાત આપી હતી કે, અયોધ્યાના શૈલેષ દુબે નામના વ્યક્તિ સાથે તેને પરિચય થતાં તેણે અયોધ્યામાં કેટરર્સનો મોટો કોન્ટ્રાક્ટ આપવાની વાત કરીને રૃા.૨૦ લાખ માગ્યા હતા. આટલા પૈસા તેની પાસે ન હોવાથી રાજકોટમાં કેટરર્સના ધંધાર્થી ચીમનભાઈ પટેલને વાત કરતા તેમને રસ પડતા અયોધ્યાનાં શૈલેષ દુબેને રૃા. ૨૦ લાખ આપ્યા હતા. બાદમાં કેટરર્સનાં કોન્ટ્રાક્ટમાં હસમુખને કમિશન મળવાનું હતું. જો કે, બાદમાં શૈલેષ દુબે ગાયબ થઈ જતાં રૃા.૨૦ લાખ પરત લેવા માટે ચીમનભાઈએ હસમુખ પાસે ઉઘરાણી ચાલુ કરી હતી. બીજી તરફ અયોધ્યામાં મોટો કેટરીંગ કોન્ટ્રાક્ટ મળનાર હોવાની હસમુખે સંબંધીઓ અને પરિચીતોને વાત કરીને ત્યાં કામ-નોકરી અપાવી દેવાનાં બણગાં ફૂંક્યા હતા. જેથી અયોધ્યાનાં કેટરીંગ કોન્ટ્રાક્ટ બાબતે બધી તરફથી દબાણ આવવા લાગતા કંટાળી જઈને તેણે પોતાના જ મિત્રની હત્યા બાદ તેની પાસે પોતાનું આઈકાર્ડ, મોબાઈલ, પાકીટ સહિત રાખી પોતાને મૃત દેખાડવા માટે લાશને સળગાવી નાખી હતી.


Google NewsGoogle News