સરકાર કુંભકર્ણી નિદ્રામાંથી સફાળી જાગી, ગાંધીનગર જિલ્લામાં 'ઘેર'હાજર અને વિદેશ સ્થાયી શિક્ષકોને ટર્મિનેટ પ્રક્રિયા શરૂ

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
સરકાર કુંભકર્ણી નિદ્રામાંથી સફાળી જાગી, ગાંધીનગર જિલ્લામાં 'ઘેર'હાજર અને વિદેશ સ્થાયી શિક્ષકોને ટર્મિનેટ પ્રક્રિયા શરૂ 1 - image


Gandhinagar Teacher
:  
સરકારની શિક્ષણમાં અવ્વલ નંબરે હોવાની ગુલબાંગોનો ફુગ્ગો તો વિદેશ સ્થાયી થયેલા અને લાંબા અરસાથી ઘેરહાજર રહેતા શિક્ષકોએ ફોડી જ નાંખ્યો છે. ગાંધીનગર જિલ્લામાં નોંધાયેલા આવા કિસ્સાઓમાં પણ આગામી સોમવાર સુધીમાં કાયદેસરની કાર્યવાહી કરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરી શિક્ષણ વિભાગે તાકીદ કરી છે. 23 માંથી 16 જેટલા કિસ્સામાં શિક્ષકોને બરતરફ કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

લાંબા સમયથી ગેરહાજર હોવા છતાં શિક્ષકોના નામ શાળાના ચોપડે બોલતા રહેવાનો ભાંડો ફૂટ્યા પછી રાજ્ય સરકાર કુંભકર્ણી નિદ્રામાંથી સફાળી જાગી હતી અને રાજ્યવ્યાપી તપાસના આદેશ છોડયા હતાં. ગાંધીનગર જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં ગેરહાજર શિક્ષકોમાં ગાંધીનગર તાલુકાના ઉવારસદ ગામની શાળાના 2, ટીંટોડા ગામના 2 ઉપરાંત અડાલજ, બુટાકિયા, બાપુપુરા, માધવગઢ અને મગોડીની શાળાના છે.

કલોલ તાલુકામાં આનંદપુરા, બાલવા, રામનગર, વાગોસણા, ખાત્રજ, ઉનાલી, વાંસજડા-ક અને કાંઠા ગામની શાળાના શિક્ષક ઉપરાંત માણસા તાલુકામાં બોરૂ અને બાપુપરાની શાળાના અને દહેગામ તાલુકામાં અમરાજીના મુવાડાની શાળાના શિક્ષક સામેલ હતાં. જ્યારે ગાંધીનગર શહેરમાં પેથાપુરની શાળાના શિક્ષક અને માધ્યમિક વિભાગમાં દહેગામના પાલુન્દ્રા ગામની શાળાના અને માણસાના દેલવાડા ગામની શાળાના શિક્ષક ગેરહાજર રહેતા હોવાનું અધિકારી સૂત્રોએ જણાવ્યુ હતું. હવે આ પૈકીના વિદેશ ગમનના કિસ્સામાં ટર્મિનેશનની પ્રક્રિયા હાથ ધરાશે.

દહેગામના શિક્ષિકા વોટ્સએપ કરીને રજા મૂક્યા પછી 13 મહિને પરત આવ્યાં નહીં

દહેગામના મોટી માછંગ ગામની શાળાના શિક્ષિકા નીતાબેન દેસાઇ 13 મહિનાથી શાળામાં ગેરહાજર હોવાનું આચાર્યએ જણાવ્યું હતું. આ શાળામાં ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 102ની છે. જ્યાં ગેરહાજર શિક્ષિકા ધોરણ 1 થી 4ના બાળકોને ભણાવતા હતાં. આચાર્ય દ્વારા જાણ કરાયાના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તેમને આપેલી ત્રણ-ત્રણ નોટિસનો જવાબ પણ તેમણે આપ્યો નથી. અનોખી નોંધનિય વાત તો એ છે, કે શિક્ષિકાએ પોતે રજા પર જઇ રહ્યાની જાણ પણ જે તે વખતે માત્ર વોટ્સએપમાં મેસેજ કરીને કરી હતી.

ચોપડે નામ ચાલતું રહેવાથી બીજા શિક્ષક નહીં મુકાતા શિક્ષણ રામ ભરોસે જ રહ્યું

દરરોજ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઇન હાજરી લેવાની અને તેનું પાટનગરમાં સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર પરથી મોનીટરિંગ કરવાની વાતો તો આ સાથે ફેંકવા સમાન સાબિત થઇ જ ચૂકી છે. પરંતુ સરકારની આવી અપરાધિક પ્રકારની બેદરકારીના કારણે હજારો બાળકોના શિક્ષણ પર નિવારી ન શકાય તેવી માઠી અસર પડી છે. કેમ, કે ગેરહાજર શિક્ષકનું નામ શાળાના હાજરી પત્રકમાં બોલતું રહેતુ હોવાથી તેની જગ્યાને ખાલી ગણવામાં આવતી નથી. તેમ થવાના કારણે આ જગ્યા પર બીજા શિક્ષકને મુકવામાં આવતાં નથી. પરિણામે બાળકો અભ્યાસથી વંચિત રહી જાય છે. 


Google NewsGoogle News