મોંઘવારી, મંદીના પતંગ કપાયા : ઉત્તરાયણનો ઉત્સાહ અકબંધ
- આણંદ અને ખેડા જિલ્લામાં વાસી ઉત્તરાયણને દિવસે વધુ પતંગો ચગ્યા
- પતંગરસિયાઓ વચ્ચે આકાશી યુદ્ધ ખેલાયું, રંગબેરંગી પતંગોથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા : અગાસી ઉપર જ ઊંધિયું, જલેબી, ચીકી, બોરની જ્યાફત માણી
ચાલુ વર્ષે ઉતરાયણ પર્વે ઠંડીના વધુ પ્રમાણ વચ્ચે વહેલી સવારે સુસવાટા ભેર પવન ફૂંકાઈ રહ્યો હતો. પરિણામે ચરોતરવાસીઓ અગાસી પર મોડા ચઢ્યા હતા. જોકે, બંને દિવસે માફકસર પવન હોવાથી પતંગરસિકોમાં ઉલ્લાસ જોવા મળ્યો હતો.
આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. પતંગો વચ્ચે અવકાશી યુદ્ધ ખેલાતા પતંગરસિયાઓ એકબીજાની પતંગ કાપીને એ કાયપો છે...એ લપેટ...એ હેંડી...ની ચીચીયારીઓ પાડી, વિવિધ પીપૂડાના અવાજો કરી આનંદ વ્યક્ત કર્યો હતો. પતંગ ચગાવીને થાકેલા લોકોએ બપોર બાદ ધાબા પર જ ચીકી, બોર, જામફળ, શેરડી, ઉંધીયું, જલેબી, ફાફડાની જ્યાફત માણી હતી.
મોડી સાંજ સુધી પતંગ ચગાવ્યા બાદ પતંગરસિકોએ ફટાકડાની આતશબાજી કરી હતી. દિવસે રંગબેરંગી પતંગોથી ઘેરાયેલા આકાશમાં સાંજે આતશબાજીના કારણે વિવિધ રંગો પથરાયા હતા. પરિણામે નયનરમ્ય નજારો સર્જાયો હતો. મોડી રાત સુધી અબાલ-વૃદ્ધોએ અગાસીઓ પર ચઢી પતંગ ચગાવવાની સાથે સાથે લાઉડ સ્પીકરો અને ડી.જે. સાથે ઘોંઘાટભર્યા વાતાવરણ વચ્ચે હર્ષોલ્લાસથી ઉતરાયણની ઉજવણી કરી હતી. તેમજ ઉતરાયણના દિવસ કરતા પણ વાસી ઉતરાયણના દિવસે વહેલી સવારથી જ પતંગરસિયાઓ અગાસી પર ચઢી ગયા હતા અને આકાશી યુદ્ધ આરંભ્યું હતું.
આણંદના બાકરોલમાં રાત્રે ઉતરાયણની ઉજવણી
આણંદના બાકરોલ ગામે વર્ષોથી રાત્રે ઉતરાયણ ઉજવવામાં આવે છે. રાત્રે પક્ષીઓને નહીવત નુકસાન પહોંચતું હોવાથી ૨૦ હજારની વસ્તી ધરાવતા ગામમાં પતંગરસિયાઓ રાત્રે પતંગબાજી કરે છે. રાત્રે ખાસ લાઈટિંગ અને ભોજનનું આયોજન કરવામાં આવે છે.
ચાઈનીઝ તુક્કલો ગાયબ પરંતુ દોરીનો ધૂમ ઉપયોગ
ચરોતરમાં મકરસંક્રાંતિ પર્વે દિવસભર પતંગોથી ઘેરાયેલા રહેતા આકાશમાં મોડી સાંજ બાદ મોટા પ્રમાણમાં ચાઈનીઝ તુક્કલો દેખાતા હતા. જોકે, તેના પર પ્રતિબંધ લગાવવામાં આવતા ચાલુ વર્ષે ચાઈનીઝ તુક્કલો આકાશમાંથી ગાયબ હતી. બીજી તરફ પ્રતિબંધ હોવા છતાં ઉતરાયણ પર્વના બે દિવસ દરમિયાન ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ અને ઉપયોગ થયો હતો.
ખેડા જિલ્લામાં ઉતરાયણના રોજ 90 ઈમરજન્સી કૉલ મળ્યા
ખેડા જિલ્લામાં ઉતરાયણ પર્વે ૧૦૮ ઈમરજન્સી વિભાગ દ્વારા ૧૯ એમ્બ્યુલન્સ સાથે ૯૦થી વધુનો સ્ટાફ સ્ટેન્ડબાય રખાયો હતો. ઉતરાયણના દિવસે પતંગના દોરા વાગવાના બે, અકસ્માતના ૨૫, પ્રસુતીના ૧૮, મેડીકલ અને અન્ય મળી કુલ ૯૦ ઈમરજન્સી કૉલ ૧૦૮ ખેડા વિભાગને મળ્યા હતા.