વડોદરા રોડ પહોળો કરવાની કામગીરીમાં આડેધડ ખોદકામથી વૃક્ષોનો ખો નીકળી જાય તેવી પરિસ્થિતિ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પહોળો કરવાની કામગીરી કરવામાં આવે છે, ત્યારે રોડની સાઈડમાં વાવેલા વૃક્ષોની કાળજી લેવાતી નથી, અને આડેધડ ખોદકામ કરીને ઝાડને નુકસાન થાય તે પ્રકારે કામગીરી કરે છે. વૃક્ષોને જતનપૂર્વક ઉછેર કરનારા લોકો અને પર્યાવરણવાદીઓની પણ લાગણી આ બધું જોઈને દુભાય છે.
વડોદરાના હરણી રોડ, વિજયનગર વિસ્તારમાં શ્રીધર સોસાયટીની સામે રોડ પર વૃક્ષો વાવવામાં આવ્યા છે. ઘણા વૃક્ષો તો 10 વરસ જૂના છે. આજકાલ કોર્પોરેશન દ્વારા રોડ પહોળો કરવાની કામગીરી ચાલુ થઈ છે, અને આ માટે ખોદકામ કરવામાં આવ્યું છે. જેમાં વૃક્ષના બધા મૂળિયા ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. આમ કરવાથી વૃક્ષોને નુકસાન થતું હોવાથી વૃક્ષોને બચાવવા માટે આડેધડ ખોદકામ કરનારાઓને વૃક્ષોની આજુબાજુ 3 ફૂટ જગ્યા છોડવા નું કહ્યું હતું. પરંતુ તેના પર કોઈ ધ્યાન અપાયું નહીં અને જગ્યા છોડવામાં આવી નથી. જેના કારણે બધા વૃક્ષો ને નુકશાન થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એક બાજુ કોર્પોરેશન શહેરને હરિયાળુ બનાવવા અને વૃક્ષો વાવવા અપીલ કરે છે, જ્યારે બીજી બાજુ વૃક્ષોને બચાવવા માટે કોઈ ધ્યાન અપાતું નથી. એન.જી.ટીનો પણ નિયમ છે કે વૃક્ષોની દોઢ મીટરની ત્રિજ્યામાં જગ્યા ખુલ્લી રાખવી જોઈએ. વૃક્ષોનું ગળું દબાઈ જાય ત્યાં સુધી કામ ન કરવું જોઈએ. થડ ઢંકાઈ જાય ત્યાં સુધી ડામર ન પાથરવો જોઈએ અથવા તો પેવર બ્લોક ન ફીટ કરવા જોઈએ. વૃક્ષ પણ સજીવ છે. જો તેનું ગળું દબાવી દેવાશે તો તે હવા પાણી કઈ રીતે લઈ શકશે ? તેનો ઉછેર કેવી રીતે થઈ શકે? હરણી રોડ પર ખોદકામની કામગીરી કરવાથી વૃક્ષોના જે હાલ હવાલ થયા છે તેનાથી દુઃખી થયેલા પર્યાવરણવાદીઓ વૃક્ષોના મૂળ ખુલ્લા થતા ત્યાં ખાતર અને માટી પણ પાથરવાના છે તેમ જાણવા મળ્યું છે.