ઈન્દિરાનું આપઘાત કે હત્યા? બનાવનો ભેદ હજુય રહસ્યમય
મૃતદેહ મળ્યા બાદ તપાસનો ધમધમાટ
મૃતક યુવતીના પરિવારજનોના નિવેદન લેવાયા, પી.એમ.રિપોર્ટની જોવાતી રાહ
ઈન્દિરા મીણા નામની ૨૧ વર્ષિય યુવતી સોમવારે વહેલી પરોઢે સાડા પાંચ વાગ્યાના અરસામાં ૫૪૦ ફુટ બોરમાં ફસાયા બાદ તેને બહાર કાઢવા માટે એનડીઆરએફ, ફાયર, આર્મી, બીએસએફ, ડીઝાસ્ટર, પોલીસ તંત્ર સહિત સ્થાનિક અનુભવી લોકોએ ૩૨ કલાકથી વધુ મહેનત કરી હતી. જો કે, રેસ્કયુ ઓપરેશનમાં નિરાશા સાંપડી અને ઈન્દિરા જીવતી મળી ન હતી. તેના મૃતદેહને પી.એમ. અર્થે જામનગર મોકલાયો છે.
ઈન્દિરાએ આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે સહિતના કારણો જાણવા પધ્ધર પોલીસ તેમજ એલસીબી સહિતની એજન્સીઓએ જુદી જુદી દિશામાં તપાસ જારી રાખી છે. જામનગરથી પી.એમ. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે તે વચ્ચે મૃતદેહ મળ્યાના બીજા દિવસે ખરેખર આ કિસ્સામાં શું બન્યું છે ? તેની હકીકતો હજુ ખુલવા પામી નથી. યુવતીના ભાઈની પુછપરછ કરાઈ હતી. આ સિવાય પરિવારના અન્ય સભ્યોની પણ પૂછપરછ થઈ રહી છે. જો કે, હજુ બનાવનું સાચું કારણ બહાર આવ્યું નથી.