Get The App

કોંગી ધારાસભ્ય રીબડીયાના પોસ્ટર ઉપર ગદ્દાર લખી રોષ વ્યક્ત કરાયો

Updated: Oct 5th, 2022


Google News
Google News
કોંગી ધારાસભ્ય રીબડીયાના પોસ્ટર ઉપર ગદ્દાર લખી રોષ વ્યક્ત કરાયો 1 - image


ધારાસભ્યના ભાજપ પ્રવેશ પુર્વે જૂનાગઢના કોંગી કાર્યકરો ખફા : કોંગ્રેસ - પ્રમુખ નટુભાઇ પોકિયાએ પણ રાજીનામું ધરી દેતાં તાબડતોબ નવા જિલ્લા - તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિયુક્ત

જૂનાગઢ, : વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. હવે કાલે તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવાના છે. રીબડીયાએ રાજીનામું ધરી દેતા તેના સમર્થનમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતનાઓએ રાજીનામાં દઈ દેતા પ્રદેશ કોંગ્રેસની સુચના અનુસાર જિલ્લા કોંગ્રેસ દ્વારા તાબડતોબ બેઠક બોલાવી અને નવા જિલ્લા અને તાલુકા પ્રમુખની નિમણૂંક કરવાની ફરજ પડી હતી. બીજી બાજુ કોંગ્રેસ કાર્યાલયમાં ધારાસભ્ય રીબડીયાનાં પોસ્ટર ઉપર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકિયાના નામ ઉપર ગદ્દાર લખી કોંગ્રેસના કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો. 

આજે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી  ધારાસભ્ય ભીખાભાઈ જોશી પ્રદેશ કોંગ્રેસના નેતાઓની રૂબરૂમાં તાત્કાલિક નવા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ભંેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. હજુ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજીનામું ધરે તે પહેલા જ કોંગ્રેસ હરકતમાં આવી અને નવા કાર્યકારી પ્રમુખ તરીકે વિસાવદર તાલુકાના કાલસારી ગામના ભરતભાઈ અમીપરાની જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરી છે અને ભેસાણમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિતીન રાણપરીયાની નિમણૂક કરી છે.

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકીયા, ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઈ મોવલીયા સહિતના અનેક અગ્રણીઓએ પુર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાના સમર્થનમાં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાં ધરી દીધા છે જેને લઇ કોંગ્રેસ તાબડતોબ નવા હોદ્દેદારોની વરણી કરી હતી. સમગ્ર જિલ્લાના કાર્યકરોની બેઠક બોલાવી હતી અને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસની બેઠકમાં પુર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાના જવાથી કોઈ કાર્યકર્તાઓએ હતાશ થવાની જરૂર નથી, અનેક કોંગી નેતાઓ ભાજપમાં ગયા છતા કોગ્રેસ પક્ષ હજું અડીખમ ઉભો હોય તેવું કોંગી નેતાઓએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

વધુમાં ભેસાણ તાલુકા પંચાયતમાં જ્યાં કોંગ્રેસનું શાસન છે. ત્યાં તાલુકા પંચાયતમાંથી અનકે સદસ્યો ભાજપમાં જોડાવવાની સંભાવના બળવતર બની રહી હોવાથી તાલુકા પંચાયતમાં ભંગાણની શકયતા દર્શાવવામાં આવી છે. આજે જૂનાગઢમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે હર્ષદ રીબડીયાના પોસ્ટર ઉપર કોંગ્રેસના કાર્યકરોએ ગદ્દાર શબ્દ લખી રોષ વ્યક્ત કર્યો હતો. એ જ રીતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નામ ઉપર ગદ્દાર લખી નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

Tags :
RajkotJunagadhIndignation-was-expressed-by-writing-traitor

Google News
Google News