ગુજ્જુ ડોક્ટરે પ્લાસ્ટિક બેગ્સ ભેગી કરી બનાવ્યો દેશનો પ્રથમ ઇકો બ્રિક્સ પાર્ક
India's first Eco Brick Park: ભાવનગરમાં 23 વર્ષથી જનરલ ફિઝિશ્યન તરીકે ફરજ બજાવતા ડો. તેજસ દોશીએ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સ્કૂલના બાળકોને જોડીને અનેક પ્રોજેક્ટ સાકાર કરી પર્યાવરણના જતનનું કામ કર્યું છે. તેમણે શરૂ કરેલા ચાર પ્રોજેક્ટ્સ સમગ્ર દેશમાં અનુકરણિય બન્યાં છે.
દેશના પ્રથમ ઇકો બ્રિક પાર્કનું નિર્માણ
ડૉ. તેજસ દોશી જણાવે છે કે વર્ષ 2014માં ફક્ત 14 લોકોની મદદથી આ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા, અને આજે આ તમામ અભિયાનમાં લગભગ 25 લાખ લોકો જોડાયા છે. મેં પહેલાં નો હોકિંગ પ્રોજેક્ટ બનાવ્યો હતો ત્યારબાદ રિસાયકલ, રિપ્રોડ્યુસ અને રિયુઝના કોન્સેપ્ટ સાથે જોય ઓફ ગિવિંગ, ડોન્ટ કટ ધ કોર્નર, 50 પ્લાસ્ટિક બેગ સામે એક કાપડની થેલી અને દેશના પ્રથમ ઇકો બ્રિક પાર્કનું નિર્માણ કર્યું છે. આ પ્રોજેક્ટ્સમાં 75 લાખ બેગ્સ રિસાયકલ પ્લાન્ટમાં જમા કરાવી છે.
વધતા પ્લાસ્ટિકની સમસ્યાનું સમાધાન કરવા શરુ કર્યો પ્રોજેક્ટ
ડૉ. દોશીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ પછી રસ્તા પર નાની-મોટી પ્લાસ્ટિકની કોથળીઓ જોવા મળતી હતી જે પ્રાણીઓના પેટમાં જતી હતી. તેમણે આ સમસ્યાનું સમાધાન કરવા ઇકો બ્રિક્સ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં એક લિટર પાણીની બોટલમાં આ કોથળીઓ ભેગી કરી બોટલ તેમની પાસે જમા કરાવી હતી. ત્રણ બોટલ જમા કરો અને 10 રૂપિયા લઇ જાવ... એ અભિયાન તેમનું સફળ રહ્યું અને જોત જોતામાં એક વર્ષમાં 1.80 લાખ બોટલો જમા થઇ ગઇ હતી.
1.50 લાખ કપડાંની થેલીનું વિતરણ કર્યું
આ બોટલોની મદદથી ભારતનો પહેલો ઇકો બ્રિક પાર્ક ભાવનગરમાં બનાવવામાં આવ્યો છે. આ માટે ભાવનગર કોર્પોરેશને લગભગ 500 મીટરની જગ્યા ફાળવી આપી છે. ઇકો બ્રિક્સ પછી પણ કોથળીઓ ઓછી ન થતાં તેમણે 50 થેલી આપીને કપડાંની એક થેલી લઇ જાવ તેવું અભિયાન શરૂ કર્યું હતું, અને તેના આધારે તેમણે અત્યાર સુધીમાં 1.50 લાખ કપડાંની થેલીનું વિતરણ કર્યું છે.
જોય ઓફ ગિવિંગ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો
પોતાના ક્લિનિકના ખાનામાં 38 જેટલી નકામી પ્લાસ્ટિકની પેન જોઇને તેમને એવો વિચાર આવ્યો હતો કે મારી પાસે આટલી બધી ખાલી પેન છે તો અન્ય લોકો પાસે કેટલી નકામી પેન હશે. આવું વિચારીને તેમણે જોય ઓફ ગિવિંગ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. જૂની પેનમાં રિફિલ નંખાવીને તેઓ જરૂરતમંદને આપતા હતા. આ રીતે તેમણે દેશના વિવિધ રાજ્યોમાં 11 લાખ પેનનું વિતરણ કર્યું છે.
ઘ્વનિ પ્રદૂષણ ઘટાડવા મૂક વિરોધ
આ સાથે તેમણે ઘ્વનિ પ્રદૂષણને ડામવા અને વાહનના હોર્નને અટકાવવા સ્કૂલના બાળકોને એકત્ર કરી બેનર્સ સાથે મૂક વિરોધ શરૂ કરાવ્યો હતો. તેમણે 1.53 લાખ બાળકોને સામેલ કર્યા અને નડિયાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ અને મુંબઇમાં નો હોકિંગ પ્રોજેક્ટ ચલાવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ, વલસાડના પારડીમાં 4 ઈંચ વરસાદ, આ જિલ્લામાં એલર્ટ
પ્લાસ્ટિકમી કોથળીઓ માટે ડોન્ટ કટ ધ કોર્નર અભિયાન
એટલું જ નહીં, ભાવનગરમાં વરસાદને કારણે ગટરો ચોકઅપ થઇ જતાં તેમણે કચરાને લેબમાં ટેસ્ટ માટે મોકલતાં તેમાં સૌથી વધુ દૂધ અને છાસની કોથળીમાંથી કટ કરેલા ટુકડા મળી આવ્યા હતા. તેમણે આ સમસ્યા દૂર કરવા ડોન્ટ કટ ધ કોર્નર અભિયાન શરૂ કરી તેમાં 250 સ્કૂલોના 2.50 લાખ બાળકોને તૈયાર કર્યા હતા. આ બાળકોએ લોકોને કોથળીનો કોર્નક કાપવો નહીં, માત્ર કટ મારવો તેવું શિખવ્યું છે.