ભારતીય ક્રિક્રેટર પૃથ્વી શો, ઇંગ્લેન્ડના હામિદ અને વિન્ડીઝના લૂઇસનું રાજકોટથી પદાર્પણ થયું છે

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
ભારતીય ક્રિક્રેટર પૃથ્વી શો, ઇંગ્લેન્ડના હામિદ અને વિન્ડીઝના લૂઇસનું રાજકોટથી પદાર્પણ થયું છે 1 - image


ટેસ્ટ ક્રિકેટ ક્ષેત્રે રાજકોટની પીચ દેશ-વિદેશનાં ખેલાડીઓ માટે નસીબવંતી : બેટિંગ ફ્રેન્ડલી રાજકોટની પીચ ઉપર 2016માં ચેતેશ્વર પુજારા અને મુરલી વિજયની 209 રનની ભાગીદારીનો રેકોર્ડ, 2018માં પૃથ્વીએ ફટકાર્યા હતા 134 રન

રાજકોટ, : રાજકોટનાં આંગણે તા. 15 ફેબુ્ર.થી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ શરૂ થનાર હોવાથી ક્રિકેટપ્રેમીઓમાં જબરો રોમાંચ છવાયો છે. ટેસ્ટ ક્રિકેટ ક્ષેત્રે દેશ-વિદેશનાં અનેક ખેલાડીઓનું પદાર્પણ રાજકોટથી થયું હોવાનો ઇતિહાસ છે. ભારતીય ક્રિકેટનાં ખેલાડી પૃથ્વી શો હોય કે ઇંગ્લેન્ડના હાસિદ હામિદ, વેસ્ટ ઇન્ડિઝનાં ક્રિકેટર શેરમન લુઇસે પણ ટેસ્ટ ક્રિકેટમાં રાજકોટથી પર્દાપણ કર્યું હતું.

ભારતીય ક્રિકેટ ટીમે રાજકોટમાં અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમી છે. ત્રીજી ટેસ્ટ મેચ તા. ૧૫ ફેબુ્રઆરીથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થશે. બે ટેસ્ટ મેચ પૈકી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી જ્યારે બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમને 1 ઇનિંગ અને 272 રને હરાવી જીત મેળવી હતી.

ભારતીય અને વિદેશી ખેલાડીઓને ક્રિકેટ ક્ષેત્રે કારકિર્દી બનાવવામાં રાજકોટની પીચ શુકનવંતી બની રહી છે. કારણ કે વર્ષ ૨૦૧૬માં ઇંગ્લેન્ડની ટીમનાં ઓપનર હામિદે અહીં રાજકોટથી ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. એ જ રીતે 2015માં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટર પૃથ્વી શોએ ડેબ્યુમાં 134 રન કરી મેન ઓફ ધ મેચનો ખિતાબ રાજકોટમાં મેળવ્યો હતો. એ જ રીતે વેસ્ટ ઇન્ડીઝનાં ક્રિકેટર શેરમન લૂઇસે પણ ટેસ્ટ ક્રિકેટમાં રાજકોટથી પર્દાપણ કર્યું હતું.

રાજકોટની શુકનવંતી પીચ અનેક ક્રિકેટરો માટે યાદગાર બની રહી હોવાનું જણાવી ક્રિકેટનાં નિષ્ણાંત સમીક્ષકો જણાવે છે કે વર્ષ 2013માં રાજકોટમાં રમાયેલા વન ડેમાં ઇંગ્લેન્ડનાં સ્ટાર ઓલ રાઉન્ડર જો રૂટ તથા વર્ષ 2017માં રમાયેલી ટી-20 મેચમાં ભારતીય બોલર મોહમ્મદ સિરાજનું ડેબ્યુ પણ અહીંની પીચ ઉપર થયું હતું. રાજકોટની બેટીંગ ફ્રેન્ડલી પીચ ઉપર 2016માં ચેતેશ્વર પુજારા અને મુરલી વિજયની સર્વોચ્ચ 209 રનની ભાગીદારીનો રેકોર્ડ છે. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી હામિદે અને કેપ્ટન એલીસ્ટર કૂકનાં 180 રન તેમજ પૃથ્વી શોએ 134 રન સાથે ચેતેશ્વર પૂજારાની સાથે 206 રનની ભાગીદારી નોંધાવી છે. રાજકોટની આ પ્રકારની નસીબવંતી પીચ ઉપર ભારત-ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે રોમાંચક ટેસ્ટ મેચ જોવા મળશે.


Google NewsGoogle News