સુરતમાં સ્યૂસાઈડ નોટ લખી બેંકના આસિસ્ટન્ટ મેનેજરે કર્યો આપઘાત,પરિવારે મોત પર વ્યક્ત કરી શંકા
Surat News : સુરતના અડાજણમાં રહેતા ઈન્ડિયન બેંકના આસિસ્ટન્ટ મેનેજરે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીનવ ટૂંકાવ્યું હોવાનું ઘટના સામે આવી છે. જ્યારે આપઘાત મામલે પરિવારના સભ્યોએ શંકા વ્યક્ત કરીને પોલીસને સમગ્ર મામલે તપાસ કરવાની માગ કરી. મોતને વ્હાલુ કરનારા શખસે આપઘાત પહેલા સ્યૂસાઈડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે. અડાજણ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી.
આસિસ્ટન્ટ મેનેજરે કર્યો આપઘાત
સુરતમાં ઈન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અમન ભાર્ગવે આપઘાત કર્યો હતો. ભાર્ગવ મુળ રાજસ્થાન છે, જે હાલ સુરતના અડાજણ વિસ્તારના પવિત્ર રોહાઉસમાં રહેતો હતો. સમગ્ર ઘટનાને લઈને પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
પરિવાજનોએ આક્ષેપ કર્યા છે કે, 'ભાર્ગવે એક યુવતી અને તેના પતિની સામે આ પ્રકારનું પગલુ ભર્યું હતું અને તેને એક ચિઠ્ઠી લખી હતી. એવું પણ બની શકે છે કે, યુવતીની દુષ્પ્રેરણાથી જ ભાર્ગવે અંતિમ પગલું ભર્યું હોય... અમને ન્યાય મળે... '