અગ્નિવીર ભરતીની પહેલા તબક્કાની પરીક્ષામાં ૩૦૫ ઉમેદવારો ઉત્તીર્ણ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પેવેલિયન મેદાન પર ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટેની ભરતી પ્રક્રિયાનો તા.૬ જાન્યુઆરીથી પ્રારંભ થઈ ગયો છે.
પહેલા બે દિવસમાં આ ભરતી પ્રક્રિયાના પહેલા તબક્કામાં દોડની પરીક્ષા ૩૦૫ ઉમેદવારોએ પાસ કરી છે.આ ઉમેદવારોની આગળની કસોટી પણ હાથ ધરવામાં આવી છે.
ઉમેદવારો દોડ બાદ લાંબો કુદકો, બેઠક, પુલઅપલ્સ, બેલેન્સિંગ, ઉંચો કુદકો જેવી શારીરિક કસોટી પાસ કરશે અને એ પછી તેમની શૈક્ષણિક લાયકાત ચકાસવા માટે તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.છેલ્લા તબક્કામાં તેમનું મેડિકલ ચેકઅપ કરાશે.
ઉમેદવારોના રોકાણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિઝામપુરા અતિથિગૃહ ખાતે રોકાણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, તા. ૬થી તા. ૧૪ જાન્યુઆરી સુધી યોજાનાર ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ગુજરાતના તમામ જિલ્લામાંથી કુલ ૮૩૫૪ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.