ભારત વોર્મિંગ : 1958 પછી આ જાન્યુઆરીમાં સર્વાધિક તાપમાન
સરેરાશ તાપમાન નોર્મલ 18.04 સામે 19.02 સે. નોંધાયું : સવારનું તાપમાન પણ નોર્મલથી 1.04 સે.વધુ,બપોરનું મહત્તમ તાપમાન 0.91 સે.વધુ નોંધાયું : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પ્રમાણ વધ્યું
રાજકોટ, : ભારતનો ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં વિશ્વમાં ભલે ઓછો હિસ્સો હોય પરંતુ, ગ્લોબલ વોર્મિંગની અસર ભારતમાં તીવ્ર રીતે જોવા મળી રહી છે. આજે મૌસમ વિભાગે જારી કરેલા અહેવાલ મૂજબ દિવસનું ઈ.સ. 1901થી 2025ના સવાસો વર્ષના સમયમાં આ જાન્યુઆરી માસનું સરેરાશ તાપમાન ઈ.સ. 1958 પછી બીજા નંબરે સૌથી ઉંચુ છે. દેશનું સરેરાશ તાપમાન આ માસમાં 18.04 સે. રહેતું હોય છે તે સામે ઈ.સ. 1958માં 19.21 પછી આ વર્ષ ઈ. 2025માં 19.02 (નોર્મલથી 0.98 સે. વધુ) રહ્યું છે.
એકંદરે દેશમાં સર્વાધિક ઠંડી જે માસમાં પડતી હોય છે તે જાન્યુઆરીમાં ન્યુનત્તમ, મહત્તમ અને સરેરાશ ત્રણેય તાપમાન નોર્મલથી આશરે 1 સેલ્સિયસ ઉંચુ રહ્યું છે અને આ બાબત અનેકવિધ અસરો જન્માવે છે. સવારનું ન્યુનત્તમ તાપમાન 12.51 સે. રહ્યું છે જે નોર્મલ 12.51 કરતા 1.04 સે. વધારે છે અને આવા સવાસો વર્ષમાં માત્ર પાંચ વર્ષ છે. અને બપોરે નોંધાતું મહત્તમ તાપમાન દેશમાં 25.53 સે. રહ્યું હતું જે નોર્મલ 24.61 કરતા 0.92 સે. વધારે હતું અને આ માસમાં ઉંચા તાપમાનમાં આ દસમો ક્રમ છે. જાન્યુઆરીમાં એક તરફ આસામ, મેઘાલય, તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંદામાનનિકોબારમાં 3 ઈંચથી 8 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં સુકુ હવામાન રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે માવઠાં વરસાવતી સીસ્ટમમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આ મહિનામાં નોર્મલ 5થી 6 વખત પસાર થાય છે તે સામે આ વર્ષે 7 વાર પસાર થઈ છે. પરંતુ, તે નોંધપાત્ર વરસાદ વરસાવી શકેલ નથી.