'દેશમાં 11 વર્ષથી અઘોષિત ઈમરજન્સી વચ્ચે લોકો જીવી રહ્યા છે' :સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ
Vadodara News : 'દેશમાં છેલ્લા 11 વર્ષથી અઘોષિત ઈમરજન્સી ચાલી રહી છે. જેણે આપણી તર્ક કરવાની, સૂઝબૂઝથી વિચારવાની અને હિંમત દાખવવાની શક્તિ છીનવી લીધી છે. આ પરિસ્થિતિમાંથી આપણે કેવી રીતે બહાર આવીશું તેનો જવાબ તો સમાજશાસ્રીઓ જ આપી શકશે' આ નિવેદન આપ્યું છે સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ દુષ્યતં દવેએ. તેઓ શનિવારે વડોદરા ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા ત્યારે તેમણે લોકશાહી, બંધારણ, રેવડી કલ્ચર સહિતના મુદ્દે વેધક નિવેદન આપ્યું હતું.
'સાચી આઝાદી 1950માં મળી'
માનવાધિકાર સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત દુષ્યંત દવે આજે જાણીતા પુરાતત્વવિદ્ અને પ્રોફેસર ડો.કેટીએમ હેગડેની સ્મૃતિમાં... 'કોન્સ્ટિટયુશન એન્ડ સ્ટેટ ઈન સિટીઝન્સ ડેઈલી લાઈફ' વિષય પર લેકચર આપવા માટે શનિવારે વડોદરા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'મોહન ભાગવતના મતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાથી આપણને સાચી આઝાદી મળી છે પરંતુ મારુ કહેવું છે કે આપણને ખરા અર્થમાં આઝાદી 1950માં બંધારણ બન્યા બાદ મળી હતી'.
'દેશની સિસ્ટમમાં સામાન્ય માણસ ભુલાઈ રહ્યો છે'
દુષ્યંત દવેએ કહ્યું હતું કે, 'બંધારણ લોકોના વિચારોની આઝાદી અને અભિવ્યક્તિ, સમાનતા, સન્માન, ભારતની એકતા, સંપ્રુભતા પર ભાર મૂકે છેે. બંધારણના પાયામાં રહેતી એકસૂત્રતા, ભાઈચારાની ભાવના અને બંધુત્વ એમ ત્રણ બાબતો દેશના સંચાલન માટે જરુરી છે. લોકોને સ્વતંત્રતા, મિલકતો અને શાંતિની સુરક્ષાનો અધિકાર પણ બંધારણે આપેલો છે. બંધારણના કેન્દ્રમાં નાગરિકો છે પરંતુ હવે શાસકો ( એ પછી કોઈ પણ રાજકીય પક્ષ હોય)એવુ માને છે કે, અમે જે રીતે ઈચ્છીએ તે રીતે શાસન કરી શકીએ છે. દેશની સિસ્ટમમાં સામાન્ય માણસ ભુલાઈ રહ્યો છે'.
'શાસકો લોકોને રેવડી આપી પરાવલંબી બનાવી રહ્યા છે'
દુષ્યંત દવેએ આગળ કહ્યું હતું કે, 'બંધારણની ભાવના પ્રમાણે તો શાસકોએ લોકોનો શારીરિક, આર્થિક, વૈચારિક અને સામાજીક વિકાસ થાય તે જોવાનું હોય છે પણ હવે શાસકો લોકોને રેવડી કલ્ચરનો ઉપયોગ કરીને પરાવલંબી બનાવી રહ્યા છે. દેશમાં આજે લોકશાહી માત્ર ચૂંટણી પ્રક્રિયા પૂરતી જ રહી ગઈ છે'.
'સત્તા પર આવ્યા બાદ શાસકો બંધારણને ભૂલી જાય છે'
દેશમાં લોકશાહીને લઈને પણ દુષ્યંત દવેએ ટિપ્પણી કરી હતી કે, 'ચૂંટણી પૂરી થતાની સાથે જ લોકશાહી સમાપ્ત થઈ જાય છે અને નાગરિકોએ બીજી ચૂંટણી સુધી લોકશાહી માટે રાહ જોવાની રહે છે.શાસકો સત્તા પર આવ્યા બાદ શપથ લીધાની એક જ મિનિટ બાદ બંધારણને ભૂલી જાય છે.જો દેશમાં બંધારણને બચાવવું હશે તો લોકોએ જ આગળ આવવું પડશે'.
મહારાજા સયાજીરાવનું શાસન પ્રજા અને શાસકો વચ્ચેના સબંધોનું શ્રેષ્ઠ ઉદાહરણ
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને પણ સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખે યાદ કર્યા હતા, તેમણે કહ્યું હતું કે, 'વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનું શાસન પ્રજા અને શાસકો વચ્ચેના સબંધોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મહારાજા સયાજીરાવે ન્યાય પ્રણાલિકા, કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવ્યું હતું. લોક કલ્યાણના સેંકડો કામો કર્યા હતા. રેલવે સહિતની માળખાકીય સુવિધાઓ ઉભી કરી હતી. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સાથે શિક્ષણમાં પણ ક્રાંતિ સર્જી હતી. સ્કૂલો બનાવી હતી અને મ્યુઝિક કોલેજ, લો કોલેજ, સેંકડો લાઈબ્રેરીઓ તેમના કાર્યકાળમાં સ્થપાઈ હતી. તેમણે ધર્મ અને જાતિના ભેદભાવ વગર પ્રતિભાશાળી લોકોને તક આપી હતી.આજના શાસકો પાસેથી તો આવી અપેક્ષા પણ રાખી શકાય તેમ નથી'.