સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલ ઋતુના કારણે વાયરલ ઈન્ફેકશનના કેસમાં વધારો
- સવારે ઠંડી અને બપોરે ગરમીના કારણે કેસ વધ્યા
- શરદી, ઉધરસ, તાવ સહિતના કેસમાં વધારો થતાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ભીડ
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ લોકો છેલ્લા ૦૮ દિવસ કરતા પણ વધુ સમયથી ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જેને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
રાજ્યમાં હાલ લોકો ડબલ ઋતુનો કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ છેલ્લા ૦૮ દિવસ કરતા પણ વધુ સમયથી ઝાલાવાડવાસીઓ ડબલ ઋતુ અનુભવી રહ્યા છે. જેમાં સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થાય છે ત્યારે ડબલ ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થતાં શરદી, ઉધરસ, તાવ, મેલેરીયા સહિતના દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલ તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં અને ખાનગી હોસ્પિટલમાં રેગ્યુલર કરતા અંદાજે ૨૦% થી ૩૦% જેટલી ઓપીડીમાં વધારો નોંધાયો છે. જેના કારણે સવાર થી સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ ઉમટી પડે છે. વાયરલ ઇન્ફેક્શનને કારણે તાવ, શરદી, ઉધરસ સહિતના દર્દીઓની સંખ્યા વધી છે. આથી સરકારી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા પૂરતા પ્રમાણમાં જરૂરી દવાઓ, ઇન્જેક્શન સહીતનો જથ્થો અને નિયમિત ડોકટરની સેવા ઉપલબ્ધ કરવામાં આવે તેવી પણ દર્દીઓની માંગ ઉઠવા પામી છે. જો કે મુખ્ય સરકારી હોસ્પિટલના મુખ્ય સિવિલ સર્જનના જણાવ્યા મુજબ માત્ર સામાન્ય ૦૫ ડિગ્રી જેટલા તાપમાનનો વધારો થયો છે અને લોકોએ પણ ડબલ ઋતુને લઈને કોટન કપડાં પહેરવા, ડીહાઈડ્રેશનથી બચવા પૂરતા પ્રમાણમાં પાણી પીવું સહિતની બાબતોનું પાલન કરી તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.