નવરાત્રી પૂરી થતાં વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
નવરાત્રી પૂરી થતાં વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો 1 - image


- સીઝનના સંક્રમણ કાળમાં કફ, હળવો તાવ, ગળામાં બળતરા અને ખાંસીની ફરિયાદો વધી

- ગરબા ગ્રાઉન્ડ પર ડસ્ટિંગના કારણે અસ્થમા અને શ્વાસની તકલીફના દર્દીઓ વધ્યા 

વડોદરા, તા. 29 ઓક્ટોબર 2023, રવિવાર

નવરાત્રી પૂરી થયા બાદ અને સિઝનમાં ફેરફાર થતા વાયરલ ઇન્ફેક્શનના કેસો વધતા લોકોને કફ ,હળવો તાવ, ગળામાં બળતરા અને ખાંસીની ફરિયાદો વધી ગઈ છે. હાલ આવા દર્દીઓના પ્રમાણમાં 35% નો વધારો થયો છે. ડોક્ટરોના કહેવા મુજબ નવરાત્રી દરમિયાન ભીડમાં ઇન્ફેક્શન વધી જાય છે ,અને દિવસે ગરમી તથા રાત્રે ઠંડક ને લીધે વાતાવરણમાં બદલાવ થી તેની સીધી અસર તબિયત પર પડે છે. હવે શિયાળાની ધીમી શરૂઆત થઈ છે અને સિઝનનો આ સંક્રમણ કાળ છે. 

દિવસે 35 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય છે, અને રાત્રે તથા વહેલી સવારે 22 ડિગ્રી તાપમાન જોવા મળે છે. નવરાત્રીમાં રાત્રે સામાજિક મેળાવડો વધી જાય છે. મોડી રાત સુધી લોકો બહાર ફર્યા હોય, ઠંડુ પીધું હોય ,તીખું તમતમતું અને તેલવાળું ખાધું હોય તેમ જ ઊંઘ નો સમય પણ બદલાતા ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે. સિઝનના સંક્રમણ કાળમાં વાયરલ કેસ આમ પણ વધી જાય છે . જ્યાં પણ લોકોના મેળાવડા જામતા હોય ત્યાં ઇન્ફેક્શન ઝડપથી વકરે છે .ઓક્ટોબર અને નવેમ્બરમાં હવામાન પલટાતા વાયરલ કેસ વધે છે. કોર્પોરેશનની આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન ના કહેવા મુજબ ગરબા ગ્રાઉન્ડ પર ડસ્ટિંગ થવાથી તે શ્વાસમાં જતા તેની પણ ખરાબ અસર રહે છે. ઘરમાં એકને વાયરલ ઇન્ફેક્શન થાય એટલે ઘરના બીજા તમામને તેની અસર જોવા મળે છે. આ સિઝનમાં અસ્થમા અને શ્વાસની તકલીફ ના દર્દીઓ પણ વધી ગયેલા જણાયું છે. લક્ષણો આધારિત ટ્રીટમેન્ટ લેવાથી સારું થઈ જાય છે એમ તેમણે કહ્યું હતું.


Google NewsGoogle News