આવકવેરા દરોડા : શંકાસ્પદ વ્યવહારો પર નજર 'કેન્દ્રીત', એકથી વધુ વ્યવહાર કરનાર પેઢીમાં 'સર્ચ' !
- સતત બીજા દિવસે શહેર-જિલ્લામાં આવકવેરા વિભાગની સઘન તપાસ યથાવત
- દરોડામાં મળેલા દસ્તાવેજ, સાહિત્ય, ડિજિટલ સામગ્રીની અલગથી તલસ્પર્શી તપાસ શરૂ કરાઇ હોવાની ચર્ચા : ઉંડાણપૂર્વકની તપાસ થશે તો નવા રહસ્ય સ્ફોટ થવાની શક્યતા
આ તપાસ હજુ બે દિવસ લંબાય તેવી શક્યતા સેવાઇ રહી છે. બીજી તરફ અધિકારીઓએ સર્ચ દરમિયાન જપ્ત કરેલા સાહિત્ય, ડિજિટલ પૂરાવાની અલગથી તપાસ શરૂ કરતા નવા જ રહસ્ય સ્ફોટ થવાની શક્યતા બેવડાઇ છે. દિલ્હી સ્થિત આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સીધી સૂચના તળે ગત મંગળવાર વહેલી સવારથી રાજ્યના નડીયાદ, અમદાવાદ અને ભાવનગર ખાતે સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતાં જેમાં ભાવનગર ઉપરાંત અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરા સહિતની કચેરીના અંદાજિત ૫૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓના મસમોટા કાફલાએ અલગ-અલગ ૩૬ ટીમ બનાવી શહેર-જિલ્લામાં આવેલી ૧૧ પેઢીના ૩૨ સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ કાર્યવાહીમાં ભાવનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ તથા અલંગ ઓથોરિટીના પૂર્વ ચેરમેન સહિતના અનેક મહત્વના હોદ્દા પર રહેલા ભાજપ અગ્રણી ગીરીશ શાહની સુમેરૂ ડેવલોપર્સ નામની રિયલ એસ્ટેટ કંપનીમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓએ ડેવલોપર્સના ધંધા-વ્યવસાયના સ્થળ ઉપરાંત રહેઠાણના સ્થળે પણ સામુહિક સર્ચ હાથ ધરતા કંપનીના પ્રોપરાઇટર્સ દ્વારા ઓન મનીના મસમોટા વ્યવહારો મળી આવ્યા હતાં. તો તેમના ઘરે સર્ચ દરમિયાન ૨૦થી વધુ લોકર મળી આવતા ખુદ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં. જો કે, સર્ચ દરમિયાન આ પેઢીએ નડીયાદ અને અમદાવાદમાં પણ વ્યવહારો કર્યાં હોવાનું ખુલતા તપાસનો દૌર આ તરફ પણ ફંટાયો હતો. ગત સાંજથી આ સ્થળોએ શરૂ થયેલી સર્ચ અંતર્ગત ક્રોસ વેરિફિકેશનની કામગીરી આજે સતત બીજા દિવસે પણ શરૂ રહી હતી. તેમ બિન સત્તાવાર સૂત્રોએ વિગત આપતા જણાવ્યું હતું.
આ ઉપરાંત ગતરોજ સિહોર સ્થિત નામાંકિત પેઢી રણછોડદાસ ઝીણાભાઇ ધોળકીયા સંચાલિત તમાકું-છીંકણીની પ્રોસેસિંગ કંપનીના વર્તમાન પ્રોપરાઇટર્સ તથા સંચાલકના સિહોર અને ભાવનગર સ્થિત ધંધા-રોજગારના સ્થલોએ, ઇસ્કોન સોંદર્યમાં આવેલા આલીશાન નિવાસે સર્ચ હાથ ધરાયું હતું. ઉપરાંત, ભાવનગર શહેરના વાઘાવાડી રોડ સ્થિત સોનીની નામાંકિત વેપારી પેઢી સોની દ્વારકાદાસ વિરચંદ, બિલ્ડર કમલેશ શાહની વિવિધ સાઇટ તથા આંબાવાડી સ્થિત નિવાસ સ્થાન, નગીર કલીવાલાના શિશુવિહાર સ્થિત નિવાસ, સિદ્ધિ વિનાયક બિલ્ડકોનના સંજય સોનાણી, બિલ્ડર પરેશ વ્યાસ, જેડી ઇન્ફાકોન બિલ્ડર્સના જે.ડી. પટેલ, મહાબલ ફાયનાન્સ દાણાપીઠ, ફાયનાન્સર ભરત વાડીલાલ મહેતા (દાણાપીઠ), વાડીલાલ જમનાદાસ મહેતા એન્ડ કાું. (દાણાપીઠ) સહિત ૧૧ પેઢીમાં આવેકવેરા અધિકારીઓની ટીમે સર્ચ હાથ ધર્યું હતું. જેમાં સિહોર સ્થિત તમાકું-છીંકણીની પ્રોસેસ કરતી પેઢીમાંથી મોટાપાયે બિલીંગ વગરના નાણાંકીય વ્યવહારો મળી આવ્યા હતાં. જો કે, ગત મંગળવાર વહેલી સવારથી અલગ-અલગ ૩૬ ટીમો દ્વારા ૧૧ પેઢીના ૩૨ થી વધુ સ્થળોએ આદરેલી તપાસ આજે સતત બીજા દિવસે પણ શરૂ રહી હોવાનું જાણવા મળેલ છે. જે સ્થલોએ તપાસ ચાલી રહી છે તેમાં જે પેઢી દ્વારા કોઇ વ્યક્તિ કે પેઢી સાથે એકથી વધુ વખત મોટી રકમના નાણાંકીય વ્યવહાર કરવામાં આવ્યા હોય તેવા વ્યક્તિ કે પેઢીને ત્યાં પણ તપાસનો દૌર લંબાયો હોવાનું જાણવા મળેલ છે. જો કે, આજે સતત બીજા દિવસે ચાલેલી તપાસ અંગે પણ સ્થાનિક કચેરી તરફથી કોઇ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી ન હતી. તો બીજી તરફ, સૂત્રોના જણાવ્યાનુસાર, રિઅલ એસ્ટેટ, ડેવલોપર્સ સહિતની ૧૧ પેઢીમાં ચાલી રહેલી તપાસમાં ઘણા નવા અને અણધાર્યા રહસ્ય સ્ફોટ થઇ રહ્યા હોવાથી આવકવેરા વિભાગના અધિકારીઓએ દરેક મુસદ્દાને ઝીણવટભરી રીતે તપાસવાનું શરૂ કર્યું છે જેના કારણે તપાસનો આ દૌર હજુ બે દિવસ ચાલે તેવી શક્યતા નકારી શકાતી નથી. તો પ્રથમ દિવસના અંતે આવકવેરા અધિકારીઓએ વિવિધ પેઢીમાંથી જપ્ત કરેલા દસ્તાવેજો ડિજિટલ સાહિત્ય, હાર્ડડિસ્ક, પેનડ્રાઇવ, વાંધાજનક નાની ચબરખીઓ સહિતની અલગથી તલસ્પર્શી તપાસ આદરી છે. અધિકારીઓએ આ દિશામાં પણ તપાસને વેગવંતી બનાવતા આગામી દિવસોમાં આ મામલે અણધાર્યા રહસ્ય સ્ફોટ થવાની શક્યતા નકારી શકાતી નથી.
ભાજપ અગ્રણીને ત્યાં 'દરોડા'થી સ્થાનિક રાજકારણમાં સન્નાટો
આવકવેરા વિભાગે ભાવનગર શહેર-જિલ્લામાં અલગ-અલગ ૧૧ પેઢીમાં પાડેલા દરોડામાં શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલ શહેર ભાજપના અગ્રણી ઝપટે ચડી જતા સ્થાનિક ભાજપ સહિતના રાજકીય પક્ષોમાં સન્નાટો પ્રસરી ગયો છે. એટલું જ નહીં, તપાસમાં જે રીતે એક પછી એક ઘટસ્ફોટ થઇ રહ્યા છે તે જોતા રાજકીય નેતૃત્વ નીચે ચાલતા 'સ્વવિકાસ'ની પોલ ખૂલી ગઇ હોવાની ખૂદ ભાજપના આગેવાનો-કાર્યકરોમાં જોરશોરથી ચર્ચા કાને અથડાઇ રહી છે. આ પણ અધુરૂ હોય તેમ આ તપાસ જે રીતે તલસ્પર્શી દિશામાં આગળ વધી રહી છે તે જોતા આગામી દિવસોમાં આ પ્રકરણમાં એકથી વધુ રાજકીય પક્ષોના નામી-અનામી ચહેરાઓના નામ પણ બહાર આવવાની ચર્ચાએ જોર પકડયું છે. જો કે, આ ચર્ચા-અટકળોને સત્તાવાર તપાસનિશ એજન્સીઓ તરફથી કોઇ સમર્થન મળ્યું નથી. જ્યારે જે રીતે આવકવેરા વિભાગે ભાવનગરમાં તપાસ શરૂ કરી છે જેમાં મોટાભાગના બિલ્ડર્સ અને રિઅલ એસ્ટેટ ડેવલોપર્સને જ નિશાન બનાવ્યા છે તે જોતા એવી ચર્ચાએ પણ વેગ પકડયો છે કે, ભાવનગર ઔદ્યોગિક અને આર્થિક રીતે સતત ભાંગી રહ્યું છે અહીં ઉદ્યોગ-ધંધાના અભાવે સ્થળાંતર વધ્યું છે તેવામાં ભાવનગર શહેર અને જિલ્લામાં રિઅલ એસ્ટેટમાં આટલી તેજી કેવી રીતે જોવા મળે ? ખરેખર આ દિશામાં તટસ્થ તપાસ તેવી સ્થાનિક કક્ષાએથી માંગ ઉઠી છે.