વડોદરામાં બીજા દિવસે પણ IT દરોડાની કામગીરી ચાલુ: બિલ્ડર પુત્રનો પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ
IT Raid in Vadodara : દિવાળીના તહેવાર પૂર્વે જ વડોદરા શહેરના ચાર બિલ્ડર ગ્રૂપને ત્યાં ગઈકાલે વહેલી સવારે 150 થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓની અલગ-અલગ ટીમોએ 20 થી વધુ જગ્યાએ સામૂહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી જે બીજા દિવસે પણ ચાલુ રહી હતી.
વડોદરા શહેરના જાણીતા એવા ચાર બિલ્ડર ગ્રૂપને ત્યાં આવકવેરાના અધિકારીઓની અલગ-અલગ ટીમોએ સામૂહિક દરોડાની કામગીરી ગઈકાલે વહેલી સવારથી શરૂ કરી હતી. વડોદરા શહેરના હરણી મોટનાથ મંદિર પાસે શરૂ કરવામાં આવેલી રત્નમ ગ્રૂપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ, ભાયલી સેવાસીમાં સ્કિમો કરનાર કોટયાર્ડના શેઠ બ્રધર્સ, હાઇવે બાયપાસ રોડ પર સ્કીમ કરનાર ન્યાલકરણ ગ્રૂપ સિદ્ધેશ્વર અને શ્રીમયી ગ્રૂપ સહિત તેમના પાર્ટનરોના નિવાસસ્થાન તેમજ ઓફિસો ખાતે ગઈકાલે શરૂ થયેલી આવકવેરા વિભાગના દરોડાની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત ચાલુ રહી હતી. રત્નમ ગ્રૂપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાયનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.
આવકવેરા વિભાગે ગઈકાલે વહેલી સવારથી શરૂ કરેલી કામગીરીમાં 150થી વધુ અમદાવાદ સુરત અને વડોદરાના આવકવેરાના અધિકારીઓની અલગ-અલગ ટીમો કામગીરી કરી રહી છે. દરોડા દરમિયાન આવકવેરા વિભાગે ચાર બિલ્ડર ગ્રૂપના ભાગીદારો તેમજ તેમની સાથે સંકળાયેલા ફાઈનાન્સરોની ઓફિસે તેમજ તેમના નિવાસ્થાને મળી 20 થી વધુ જગ્યાઓ પર સામુહિક દરોડાની કામગીરી ચાલી રહી છે.
દરોડા દરમિયાન આવક વિભાગની ટીમોએ બેનામી નાણાકીય વ્યવહારો ની માહિતી તેમજ બિલ્ડર ગ્રૂપ દ્વારા જમીનોની લે-વેચ અને તેમાં થયેલા બેનામી વ્યવહારોની માહિતી મેળવી છે સાથે-સાથે મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. એટલું જ નહીં કોમ્પ્યુટરો તેમજ અન્ય સાધન સામગ્રી પણ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
દરમિયાનમાં ગઈકાલે (બુધવારે) સવારે આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે સમા-સાવલી રોડ પર રહેતા એક બિલ્ડરના નિવાસ્થાને દરવાજા ખટખટાવ્યા હતા અને બિલ્ડરના પુત્રએ અધિકારીઓને જોઈને ઘરમાં મુકેલા કેટલીક જમીનોના દસ્તાવેજી પુરાવા અને હિસાબોની ફાઈલ પાણીની ટાંકીમાં ફેંકી દીધા હતા. જેની જાણ આવકવેરા વિભાગને થતા કર્મચારીઓએ તાત્કાલિક પાણીની ટાંકીમાંથી તે પુરાવા જપ્ત કરી ચૂકવવાની કામગીરી કરવી પડી હતી.