Get The App

ભાવનગરમાં સતત 84 કલાક ચાલ્યું આયકર વિભાગનું સર્ચ પૂર્ણ, એક ગાડી ભરીને ફાઈલો, મોટી માત્રામાં સોનું-ચાંદી, રોકડ જપ્ત

Updated: Feb 23rd, 2025


Google NewsGoogle News
ભાવનગરમાં સતત 84 કલાક ચાલ્યું આયકર વિભાગનું સર્ચ પૂર્ણ, એક ગાડી ભરીને ફાઈલો, મોટી માત્રામાં સોનું-ચાંદી, રોકડ જપ્ત 1 - image


Bhavnagar IT Raid : ભાવનગર શહેરના અગ્રણી બિલ્ડર્સ, સોના-ચાંદીના વેપારી, ફાઈનાન્સ પેઢીઓ અને તમાકુંના જથ્થાબંધ વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા ગત મંગળવારે વહેલી સવારે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. સતત ચાર દિવસ સુધી ચાલેલું સર્ચ ગત રાત્રે પૂર્ણ થયું છે. આ સર્ચ દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા અલગ-અલગ પેઢીઓમાંથી નોંધપાત્ર સંખ્યામાં ફાઈલો, સોનું-ચાંદી અને રોકડ જપ્ત કરી એક ગાડી ભરીને અમદાવાદ વડી કચેરીએ સામાન લઈ ગઈ હતી. જોક હજુ સુધી વિભાગ દ્વારા સત્તાવાર રીતે કંઈ પણ જણાવવામાં આવ્યું નથી.

ભાવનગર શહેરના અગ્રણી બિલ્ડર્સ, સોના-ચાંદીના ઘરેણાંના વેપારી, ફાઈનાન્સ પેઢીઓ અને તમાકુંના જથ્થા બંધ વેપારીઓને ત્યાં ગત મંગળવારે વહેલી સવારથી રાજ્યભરમાંથી આવેલી આવકવેરા વિભાગની અલગ-અલગ ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું. ઈન્કમટેક્સ વિભાગે મંગળવારે વહેલી સવારે આરંભેલી સર્ચની કામગીરી 84 કલાક એટલે કે સતત ચાર દિવસ સુધી ચાલી હતી. 

બીજી તરફ, આ મેગા સર્ચના પગલે ભાવનગરની ઈન્કમટેક્સ ઓફિસમાં કામચલાઉ ધોરણે શરૂ કરવામાં આવેલા મોનિટરિંગ રૂમમાં ફાઈલોના ઢગલા થયાં હતા. ઉપરાંત ગત રાત્રિના પણ મોટી માત્રામાં રોકડ અને સોના-ચાંદી તથા ફાઈલો અધિકારીઓ દ્વારા જપ્ત કરી કેટલાક વેપારીઓના નિવેદનો નોંધવા કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. ગત રોજ સંબંધિત વેપારીઓના નિવેદનો નોંધ્યા બાદ વિભાગ દ્વારા 35થી 40 થેલાઓ ભરીને ફાઈલો, મોટી માત્રામાં સોના-ચાંદીના ઘરેણાં, રોકડ તથા ડિઝિટલ દસ્તાવેજો જપ્ત કર્યાં છે. 

સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ગત મોડી રાત્રે વિભાગ દ્વારા સર્ચની કામગીરી આટોપી લઈ એક કાર ભરીને ફાઈલો, રોકડ અને ઘરેણાં સહિતનો મુદ્દામાલ અમદાવાદ વડી કચેરીએ લઈ જવામાં આવ્યો છે. પેઢીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલી શંકાસ્પદ વ્યવહારોવાળી ફાઈલોની સ્કુટિની (તપાસણી) કરવામાં આવશે અને તપાસનો રેલો અનેક લોકો સુધી પહોંચવાની પ્રબળ શક્યતાને પગલે રાજકીય લોબિંગ પણ શરૂ થઈ ગયું હોવાનું વેપારી આલમમાં ચર્ચાઈ રહ્યું છે. 

ઉપરાંત જે-જે પેઢીઓમાં તપાસ થઈ છે તેની સાથે તાજેતરમાં તથા ભુતકાળમાં વ્યવહાર કરી ચુકેલા એકમો પણ સતર્ક થઈ પોતાના સુધી તપાસ ના પહોંચી તે માટેની ગોઠવણ કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ મામલે ભાવનગર ઈન્કમટેક્સ વિભાગે હાલ સર્ચની કામગીરી ચાલી રહી હોવાથી કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું હતું. જોકે સમગ્ર કામગીરી પુર્ણ થયાં બાદ વડી કચેરીએથી સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.


Google NewsGoogle News