ગુજરાતમાં ઈન્કમટેક્સ કલેક્શન 65000ને પાર, નવા ITR ફાઈલિંગમાં રાજ્યનો ગ્રોથ દેશથી વધુ
Income Tax Collection In Gujarat: ગુજરાતમાં ઈન્કમટેક્સ કલેક્શન છેલ્લા એક વર્ષમાં 65000 કરોડ થયું છે જે અગાઉના વર્ષની સરખામણીએ રૂ. 22,300 કરોડ વધારે છે. ઈન્કમટેક્સના આંકડા ઉપરાંત રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓની સંખ્યામાં વાર્ષિક ધોરણે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં 165માં ઈન્કમટેક્સ દિવસની ઉજવણી સમયે આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. 2023-24ના આંકડા પ્રમાણે ઈન્કમટેક્સ કલેક્શન રૂ. 64 હજાર કરોડ કરતાં વધ્યું છે. એક તબક્કે ન્યૂ રિટર્ન્સ ફાઇલિંગમાં ગુજરાતનો વિકાસ દર દેશના 31.13 ટકા કરતાં વધુ એટલે કે 33.49 ટકા છે.
આ પ્રસંગે રાજ્યના ઈનકમ ટેક્સ ચીફ કમિશનર યશવંત ચ્વહાણે જણાવ્યું હતું કે, 1860માં નાણામંત્રી જેમ્સ વિલ્સને સૌપ્રથમ વખત બજેટમાં ટેકસના ચલણનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ સમયાંતરે વર્ષ 1865, 1922 અને 1961માં નવો એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. કેન્દ્રમાં રજૂ થયેલા બજેટ અંગે તેમણે જણાવ્યું હતું કે બજેટમાં જે આવક દર્શાવવામાં આવી છે તે પૈકી 46 ટકા જેટલી રકમ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી પ્રાપ્ત થશે. દેશના વિકાસ માટે આ વિભાગ અત્યંત મહત્વપૂર્ણ છે. ગુજરાતમાંથી પણ ટેક્સ કલેક્શન વધી રહ્યું છે.
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી ઇન્કમટેક્સની આવક
આ પ્રસંગે TDSના ચીફ કમિશનર ઓફ ઈનકમ ટેક્સ ડૉ.બનવારીલાલે કહ્યું હતું કે, રાજ્ય સરકારની સકારાત્મક નીતિઓને કારણે આજે ધંધા-ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યું છે અને તેના કારણે ટેક્સ કલેક્શનમાં પણ રાજ્ય અગ્રેસર છે. રાજ્યનો આયકર વિભાગ કરદાતાઓની સેવામાં તત્પર રહીને કામ કરતો રહેશે.આ પ્રસંગે એસેસમેન્ટ યર 2023-24માં વ્યક્તિગત શ્રેણીમાં રાજ્યમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર બે વ્યક્તિ અને સૌથી વધુ ટેક્સ ચૂકવનાર નવી સ્થાપિત એક સ્થાનિક ઉત્પાદન કંપનીનું સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આયકર વિભાગ અને સબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચોઃ ગુજરાતના એક પછી એક 16 જિલ્લામાં ફેલાયો 'ચાંદીપુરા વાયરસ', વધુ 3 બાળકોએ ગુમાવ્યાં જીવ