Get The App

ઠંડીની જમાવટથી આવક વધતા યાર્ડમાં ટમેટા રૃ।.૨થી ૮ના કિલો

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
ઠંડીની જમાવટથી આવક વધતા  યાર્ડમાં ટમેટા રૃ।.૨થી ૮ના કિલો 1 - image


સોસ,સૂપ,સલાડમાં વપરાતા ટમેટાંના ભાવ તળિયે

જૂલાઈ-૨૩માં ૨૦૦૦એ પહોચેલા ભાવ, ગત વર્ષે આ સમયે રૃ।.૩૦૦ થી  ૬૦૦, આ વર્ષના આરંભે ૨૦૦-૪૦૦ અને હાલ રૃ।.૬૦થી ૧૬૦ના મણ

રાજકોટ :  શિયાળાએ રાજ્યમાં એકંદરે સતત જમાવટ કરતા અને માવઠાંનો અભાવ રહેતા શાકભાજી લોકોને પાણી કરતા સસ્તા ભાવે મળતું થયું છે.આજે ટમેટાના ભાવ વધુ ગગડતા ન્યુનત્તમ ભાવ કિલોના રૃ।.૨ લેખે અને મહત્તમ રૃ।.૮ના કિલો લેખે સોદા પડયા હતા. સોસ,સૂપ અને સલાડમાં છૂટથી વપરાતા ટમેટાં સસ્તા થવા સાથે ફ્રેશ માલ બજારમાં ઠલવાતો હોય તે આરોગવાની સીઝન પૂરબહારમાં ખિલી છે અને ઘણા ઘરોમાં ગૃહિણીઓને જાતે સોસ વગેરે બનાવવા પણ હાલ સસ્તા પડે છે.

જૂલાઈ-૨૦૨૩માં ટમેટાંના ભાવ આસમાનને આંબ્યા હતા અને રૃ।.૨૦૦૦થી મહત્તમ રૃ।.૨૮૦૦ પ્રતિ મણ લેખે રાજકોટ યાર્ડમાં વેચાતા હતા. જો કે આ વધારો સ્વાભાવિક કામચલાઉ હતો બાદમાં ટમેટાં રૃ।.૨૦૦થી ૪૦૦ની રેન્જમાં હોય છે. ગત વર્ષે જાન્યુઆરી માસમાં આ સમયે રૃ।.૩૦૦થી મહત્તમ રૃ।.૬૦૦ સુધીના ભાવ મળતા હતા અને આ વર્ષના આરંભે રૃ।.૨૦૦થી ૪૦૦ અને હાલ તેમાં પણ ઘટાડો થયો છે અને મહત્તમ ભાવ રૃ।.૨૦૦ની નીચે એટલે કે કિલોના રૃ।.૧૦થી નીચે બોલાય છે. યાર્ડના ચેરમેન ચાવડાએ જણાવ્યું કે ટમેટાની આવકમાં પણ વધારો થયો છે, સ્થાનિકેથી તેમજ આણંદ બાજુથી ખૂબ આવક થઈ રહી છે, આજે ૧.૫૨ લાખ કિલો ટમેટાં ની આવક યાર્ડમાં નોંધાઈ હતી.

આ ઉપરાંત અન્ય શાકભાજીની ધોધમાર આવક વચ્ચે ભાવમાં પણ વધુ ઘટાડો જોવા મળ્યો છે. વજનદાર કોબીજની આજે ૮૨,૪૦૦ કિલોની આવક સાથે ઓછી ગુણવત્તાના કોબીજ તો એક રૃપિયે કિલો વેચાયા હતા! જ્યારે મહત્તમ ભાવ રૃ।.૩ પ્રતિ કિલો મળ્યા હતા. આ જ રીતે રીંગણા, ફ્લાવર, વાલોળ, મેથી, કોથમીર, દૂધી કે જે શાકભાજી આરોગ્યપ્રદ પણ છે તેના ભાવ પણ ગગડીને સરેરાશ રૃ।.૫થી ૧૦ કિલો લેખે યાર્ડમાં વેચાય છે, જો કે છૂટક બજારમાં તેના અનેકગણા ભાવ લેવાતા હોય છે.

શિયાળામાં છૂટથી ખવાતા જીંજરાના ભાવ પણ ઘટયા છે, ડાળખી કાઢ્યા વગરના જીંજરા યાર્ડમાં તો રૃ।.૫થી ૨૦ના કિલો વેચાય છે જે છૂટક બજારમાં ડાંળખી-પાંદડા છૂટા કરેલા જીંજરા (લીલા ચણા) રૃ।.૧૩૦થી ૨૦૦ના કિલો વેચાય છે.


Google NewsGoogle News