સુરતના કામરેજમાં નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનું પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ
કામરેજ વિધાનસભા વિસ્તારમાં 300 બેડની નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરાશે
Surat News: સુરતના કામરેજ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 1.53 કરોડના ખર્ચે નવનિર્મિત કામરેજ એસ.ટી.બસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, 'નવા એસ.ટી. બસ સ્ટેશનથી કામરેજ તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે. વર્ષ 2022માં કામરેજના જૂના બસ સ્ટોપને નવીનીકરણ આપવાનું કાર્ય શરૂ કરાયું હતું, અને એ જ જગ્યાએ વિશાળ, અનેકવિધ સુવિધાયુક્ત અદ્યતન બસ સ્ટેશન નિર્માણ પામ્યું છે.
300 બેડની નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરાશે: પ્રફુલભાઈ પાનસેરીયા
રાજ્યના કેબિનેટ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, 'અગાઉ સુરતના પ્રવેશદ્વાર સમાન કામરેજ અને ચાર રસ્તા ખૂબ અસ્વચ્છ હતા. જેને સ્વચ્છ રાખવા માટેનું કાર્ય શરૂ કરી દીધું છે, હવે કામરેજ સ્વચ્છ અને સુઘડ બનવા તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા બે દાયકામાં શહેરીકરણ અને વિકાસનો વ્યાપ વધતા કામરેજની કાયાપલટ થઈ છે. નાનકડું ગામડું ગણાતું કામરેજ આજે સંપૂર્ણ પરિવર્તિત થઈને વિકાસના માર્ગે તેજ ગતિથી આગળ વધ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કામરેજ વિધાનસભા વિસ્તારમાં 300 બેડની નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરાશે, જે માટે હોસ્પિટલ નિર્માણની દિશામાં ઝડપભેર મંજૂરી, નિર્માણ અને અનુદાનની કામગીરી થઈ રહી છે.'
કામરેજના અદ્યતન બસ સ્ટેશનમાં ઉત્તમ સુવિધા
•બસ ડેપોની જમીનનો કુલ વિસ્તાર 5500 ચો.મી
•આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર
•બાંધકામ વિસ્તાર 492 ચો.મી
•પ્લેટફોર્મની સંખ્યા: 3
•પ્લેટફોર્મનો વિસ્તાર 109 ચો.મી
•મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને વેઇટિંગ હોલ
•ટ્રાફિક કંટ્રોલ/પાસ રૂમ
•કિચન સાથેની કેન્ટીન
•વોટર રૂમ
•પાર્સલ રૂમ
•ઈલેક્ટ્રિક રૂમ
•સ્ટોલ: 4
•ડ્રાઈવર કંડક્ટર રેસ્ટ રૂમ
•લેડીઝ કંડક્ટર રેસ્ટ રૂમ
•વિકલાંગ મુસાફરો માટે વિશેષ શૌચાલય અને સ્લોપિંગ રેમ્પ