નડિયાદમાં નવનિર્મિત જિલ્લા ન્યાયાલય સંકુલનું લોકાર્પણ
- દેશના કોઈપણ ખૂણે જુબાની આપવાની સુવિધા
- હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ લોહપુરૂષ સરદાર પટેલને કોર્ટ બિલ્ડિંગ સમર્પિત કરી
નડિયાદ કપડવંજ રોડ પર ડિસ્ટ્રીક્ટ કોર્ટ કેમ્પસ ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય ન્યાયમૂર્તિએ કોર્ટ ઈમારતને સરદાર પટેલને સમર્પિત કરતા જણાવ્યું હતું કે, વ્યવસાયિક રીતે વકીલ એવા સરદાર પટેલની કર્મભૂમિ નડિયાદમાં જિલ્લા અને સત્ર કોર્ટની ઈમારતનું લોકાર્પણ કરવું સૌભાગ્યનો અવસર છે. ઈમારતના લોકાર્પણને ન્યાયતંત્રની સીમાચિન્હ ઘટના પણ ગણાવી હતી.
ખેડા જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ એન.એ. અંજારિયાએ જણાવ્યું હતું કે, જિલ્લા ન્યાયપાલિકાની ઈમારત સેન્ટ્રલ એસી, બારરૂમ, હોસ્પિટલ, ઘોડિયાઘર, એટીએમ સહિત સુવિધાથી સજ્જ છે. દેશના કોઈપણ ખૂણે જુબાની આપી શકાય તેવા વિડિયોરૂમની પણ સુવિધા છે. ઈમારતનું જતન અને સ્વચ્છતા જાળવવા તેમણે અપીલ પણ કરી હતી.આ પ્રસંગે ખેડા જિલ્લાની તમામ કોર્ટના જજીસ, જિલ્લા કલેક્ટર, મનપા કમિશનર, પોલીસ અધિક્ષક, બાર એસોસિએશનના અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા.