વઢવાણમાં યુવકને બાઇક પર બેસાડી મહિલા સહિત છ શખ્સોએ મારમાર્યો
- યુવકને મારી નાખવાની ધમકી આપતા છ સામે ફરિયાદ
- ફરિયાદીના પરિવારે બે વર્ષ પહેલા રાજકીય આગેવાન સાથે ઝઘડામાં ફરિયાદ નોંધાવી હતી
સુરેન્દ્રનગર : વઢવાણ ખાંડીપોળ વિસ્તારમાં યુવક પર મહિલા સહિત ૬ શખ્સો હુમલો કર્યો હતો. આ અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં અગાઉ વઢવાણ રહેતા અને રાજકીય આગેવાન સ્મીતાબેન રાવલ સાથે ફરિયાદીના પરિવારજનોને બે વર્ષ પહેલા ઝઘડો થયો હતો અને તે સમયે તેઓએ ફરિયાદીના પરિવાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વઢવાણ વાઘેશ્વરી ચોક વિસ્તારમાં રહેતા જયપાલસિંહ ભરતસિંહ સીંધવ ટુ વ્હીલર લઈને બજારમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન ખાંડીપોળ પાસે પહોંચતા ત્રણ શખ્સોએ જયપાલસિંહને બાઈક પર બેસાડી તેના માથાના ભાગે લોખંડનો પાઈપ માર્યો હતો અને અન્ય બે વ્યક્તિઓએ ફરિયાદીને પકડી રાખ્યા હતા. જે દરમ્યાન પાછળથી વધુ બે શખ્સોએ આવી ફરિયાદીને પાઈપ વડે તેમજ ઢીકા-પાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ એક મહિલાએ આવીને થપાટ મારી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ઈજાગ્રસ્ત ફરીયાદીને સારવાર અર્થે હોસ્પીટલે લઈ જવામાં આવ્યા હતા આ બનાવ અંગે ભોગ બનનાર ફરિયાદીએ વઢવાણ પોલીસ મથકે મોહક આનંદભાઈ દવે, બે અજાણ્યા શખ્સો, ધૃ્રવભાઈ રાવલ, કાર્તિકભાઈ ભટ્ટ અને ભાવિકાબેન આનંદભાઈ દવે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અગાઉ વઢવાણ રહેતા અને રાજકીય આગેવાન સ્મીતાબેન રાવલ સાથે ફરિયાદીના પરિવારજનોને બે વર્ષ પહેલા ઝઘડો થયો હતો અને તે સમયે તેઓએ ફરિયાદીના પરિવાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે સ્મીતાબેન રાવલના દિકરા મોલીનભાઈ રાવલના મિત્ર મોહકભાઈ દવેએ અગાઉ કરેલ ફરિયાદનું મનદુઃખ રાખી મારામારી કરી હોવાનું સામે આવ્યું છે.