વિરોલ ગામમાં એજન્ટે વૃદ્ધાના પીએમ કિશાન યોજનાના રૂપિયા ઉપાડી લીધા
નડિયાદ : મહેમદાવાદના વિરોલ ગામમાં બીઓબીના એજન્ટે વૃદ્ધાના પીએમ કિશાન યોજનાના રૂા. ૧૪ હજાર ઉપાડી માત્ર ૬ હજાર જ પરત કરી છેતરપિંડી આચરી હતી. આ અંગે વૃદ્ધાની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે એજન્ટ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મહેમદાવાદ તાલુકાના વિરોલ ગામે વાડીતળાવ વિસ્તારમાં મધુબેન કાનાભાઈ ચૌહાણ પિયરમાં પોતાના ભાઈ સાથે રહે છે. તેઓ તા.૨૭/૨/૨૫ ના રોજ વિરોલ ગામમાં બેન્ક ઓફ બરોડાના એજન્ટ તરીકે કામ કરતા આકાશકુમાર અશોકભાઈ પટેલ (રહે?.વિરોલ, મહેમદાવાદ) પાસે ખાતામાંથી નાણાં ઉપાડવા ગયા હતા. તમારા ખાતામાં પીએમ નિધિના પૈસા જમા થયા નથી કહેતા તા. ૩જી માર્ચે મધુબેન ભત્રીજા સાથે બીઓબીના એજન્ટ આકાશ પાસે ગયા હતા. ત્યારે એજન્ટે લેપટોપમાં વૃદ્ધાનો આધારકાર્ડ નંબર નાખી વૃદ્ધાનો અંગૂઠો સ્કેન કરાવ્યા બાદ તેમને રૂા. ૬ હજાર આપ્યા હતા. બાદમાં સ્ટેટમેન્ટ કઢાવતા વૃદ્ધાનો અંગૂઠો સ્કેન કરાવી ઉપાડેલા ૧૪ હજારમાંથી માત્ર ૬ હજાર આપી છેતરપિંડી કરી હતી. આ અંગે મધુબેન કાનાભાઈ ચૌહાણની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે બીઓબીના એજન્ટ આકાશકુમાર અશોકભાઈ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે.