વસો તાલુકામાં વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ
- પીડિતાને વળતર પેટે 4 લાખ ચૂકવવા આદેશ
- દોઢ વર્ષ પહેલા વૃદ્ધાને ગળું દબાવી, ઢસડીને ઘરની પાછળ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું
વસો તાલુકાના એક ગામમાં રહેતાં ૬૫ વર્ષીય વૃદ્ધા દોઢેક વર્ષ પહેલા ઘરે એકલાં હતાં. તે સમયે તેમની એકલતાનો લાભ લઈ અરવિંદ ઉર્ફે કટિલો ચુનારા (ઉં.વ.૩૪)એ વૃદ્ધાંનું ગળું પકડીને ઢસડીને ઘરની પાછળ લઈ ગયો હતો. તેમજ તેણીના ગાલ પર બચકાં ભરી, નીચે પાડી દઈ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તા.૧૮ જુલાઈ ૨૦૨૩ના રોજ શખ્સની અટકાયત કરી શખ્સને કોર્ટમાં રજૂ કર્યો હતો.
આ અંગે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તાજેતરમાં આ કેસ જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જજે વકીલની દલીલો અને મૌખિક-લેખિત પુરાવાઓને ધ્યાને લઈ અરવિંદ ઉર્ફે કટીલો ચુનારાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી રૂ.૫૧ હજારનો દંડનો હુકમ કર્યો છે. તેમજ પીડિતાને વળતર પેટે રૂ.૪ લાખ ચૂકવવા આદેશ કર્યો છે.