Get The App

વડોદરામાં અશાંતધારાની મુદત વધુ પાંચ વર્ષ સુધી વધારવામાં આવી

મિલકતની ખરીદી, ભાડે પટ્ટે આપવા સહિતની કોઇપણ તબદીલી માટે મંજૂરી માટે વર્ષ ૨૦૩૦ સુધી મુદત વધારવામાં આવી

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
વડોદરામાં અશાંતધારાની મુદત  વધુ પાંચ વર્ષ સુધી વધારવામાં આવી 1 - image

વડોદરા, તા.23 વડોદરામાં અશાંતધારા વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદવા માટે દસ્તાવેજ નોંધતા પૂર્વે કલેક્ટરની મંજૂરી લેવી ફરજિયાત છે. રાજ્ય સરકાર દ્વારા આ કાયદાનો અમલ વધુ પાંચ વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તે અંગે એક જાહેરનામું પ્રસિધ્ધ પણ કરવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે વડોદરામાં વારંવાર કોમી  તોફાનો થતા હતા અને  આ તોફાનોના કારણે હિંદુ વિસ્તારમાં પ્રોપર્ટીઓ વેચી લોકો અન્ય સ્થળે રહેવા માટે જતા રહેતા હતાં. આ પ્રકારની અનેક ઘટનાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવી હતી જેના પગલે અશાંતધારા અંગેનો કાયદો તૈયાર કરવામાં આવ્યો  અને તેનું સૌપ્રથમ વખત વર્ષ ૨૦૧૧થી અમલીકરણ શરૃ કરાયુ હતું.

આ કાયદા અંતર્ગત કોઇપણ વ્યક્તિ જો રહેણાંક અથવા કોમર્શિયલ પ્રોપર્ટી અશાંતધારા વિસ્તારમાં ખરીદે અથવા કોઇપણ કારણસર માલિકીમાં ફેરબદલ થાય તો તેને નાયબ કલેક્ટરની મંજૂરી લેવી પડે છે અને આ મંજૂરી બાદ જ તે સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરાવી શકે છે. ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઇમમૂવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટસ ફ્રોમ એવિક્શન પ્રિમાઇસીસી ઇન ડિસ્ટર્બ એરીયા એક્ટ-૧૯૯૧ના અધિનિયમની સરકારે મુદત વધારી દીધી છે.

તા.૨૦ ઓક્ટોબર ૨૦૧૯માં મુદત વધ્યા બાદ તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ અશાંત ધારા હેઠળ વડોદરા શહેરના નવા વિસ્તારોનો ઉમેરો થતા કારેલીબાગ, હરણી જેવા વિસ્તારોનો પણ સમાવેશ કરાયો હતો. દરમિયાન તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અશાંતધારાની મુદત પૂર્ણ થતી હોવાથી આ અંગે સરકાર દ્વારા આ કાયદાની મુદત વધુ પાંચ વર્ષ એટલે કે તા.૨૦ જાન્યુઆરી ૨૦૩૦ સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.




Google NewsGoogle News