વડોદરામાં ચૂંટણી માટે ફરજ બજાવનારા કર્મચારીઓમાં સૌથી વધારે સંખ્યા સ્કૂલના શિક્ષકો-કર્મચારીઓની
વડોદરા, તા. 13 નવેમ્બર 2022 રવિવાર
વડોદરા શહેર જિલ્લા સહિત મધ્ય ગુજરાતની બેઠકો પર પાંચ ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે વહિવટીતંત્રે તૈયારીઓ શરુ કરી દીધી છે.
ચૂંટણી માટે તંત્ર દ્વારા વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓેને મતદાન મથકમાં ફરજ બજાવવા માટેના ઓર્ડર પણ આપી દેવાયા છે.આ કર્મચારીઓ રિટર્નિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર જેવી વિવિધ ફરજો બજાવશે.
તંત્ર દ્વારા આ કર્મચારીઓ માટે ગઈકાલે એક ટ્રેનિંગનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.જાણવા મળતી વિગતો પ્રમાણે કુલ મળીને 9000 જેટલા કર્મચારીઓ ચૂંટણી માટે ફરજ બજાવશે.
જેમાં સૌથી વધારે સંખ્યા સ્કૂલોમાં ફરજ બજાવતા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની છે.કુલ મળીને 2728 શિક્ષકોને ચૂંટણીની ફરજ બજાવવા માટે ઓર્ડર કરવામાં આવ્યા છે.
જ્યારે સૌથી ઓછા સરકારી કર્મચારીઓ રાજ્ય સરકારના જાહેર સાહસો અને નગર પાલિકાના છે.આ બંને વિભાગોના અનુક્રમે 86 અને 27 કર્મચારીઓ આ ચૂંટણીમાં ફરજ બજાવશે.
આ સિવાય કેન્દ્ર સરકારના, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, એમ.એસ.યુનિવર્સિટીના અધ્યાપકો, બેન્ક , ઈન્સ્યોરન્સ કંપનીઓના કર્મચારીઓ પણ મતદાનના દિવસે ફરજ બજાવતા નજરે પડશે.
કયા વિભાગના, કેટલા કર્મચારીઓ
કેન્દ્ર સરકાર 1198
રાજ્ય સરકાર 1600
રાજ્ય સરકારના જાહેર સાહસ 86
તાલુકા પંચાયત 113
જિલ્લા પંચાયત 32
નગર પાલિકા 27
મહા નગર પાલિકા 860
બેન્ક 866
ઈન્સ્યોન્સ 388
પ્રાથમિક સ્કૂલ 1284
સેકન્ડરી સ્કૂલ 450
હાયર સેકન્ડરી સ્કૂલ 994
યુનિવર્સિટી 852
કોલેજ 34