ઉમરેઠમાં મહિલા ચીફ ઓફિસરને લાફો મારનારા શખ્સનું સરઘસ કાઢ્યું
- એક હુમલાખોર હજૂ પણ ફરાર
- મંજૂરી વિના લગાવેલું બેનર આરોપી પાસેથી ઉતરાવ્યું કોર્ટમાં રજૂ કરાતા આણંદ સબજેલમાં મોકલાયા
ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી શનિવારે પાલિકાની ટીમ સાથે સરકારી જગ્યામાં મંજૂરી વિના લગાવેલા હોર્ડિંગ્સ અને બેનરો ઉતારવા નિકળ્યાં હતાં. સાંજના સમયે ટીમ બસ સ્ટેન્ડ પાસે પહોંચતા મુખ્ય પ્રવેશદ્વાર પાસે શૌચાલયવાળી કોર્ડન કરેલી જગ્યામાં એક મોટું બેનર હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
દરમિયાન જાઈદ મહેબુબખાન પઠાણ ઉર્ફે અમદાવાદી, મુસ્તાક ઉર્ફે મૂસો મહેબૂબમિયા બેલીમ, તોફીક નજીરખાન પઠાણ, જુનેદ ચકલાસી અને ફરીદખાન પઠાણ ઢુંણાદરાએ પાલિકાની ટીમ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા જાઈદે ચીફ ઓફિસરને લાફો ઝીંકી દીધો હતો, જ્યારે મુસ્તાકે પાલિકાના કર્મચારી નીતિનભાઈ પટેલનેે ત્રણથી ચાર લાફા માર્યા હતા. તેમજ બોર્ડ ઉતારશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી પાંચેય શખ્સો નાસી છુટયા હતા. આ અંગે ઉમરેઠ પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી ચીફ ઓફિસરને લાફો મારનાર જાઈદ ઉર્ફે અમદાવાદીને ઝડપી પાડયો હતો. સોમવારે નગરના જાહેર માર્ગો પર તેનું સરઘસ કાઢ્યું હતું અને મંજૂરી વિના લગાવેલું બેનર પણ તેની પાસે ઉતરાવ્યું હતું. તેમજ મુસ્તાક બેલીમ, તોફીક પઠાણ અને ફરીદ પઠાણને પણ ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ફિક્સ ફોર હિયરિંગનો હુકમ કરી શખ્સોને આણંદ સબ જેલ ખાતે મોકલી આપ્યા હતા. જોકે, હજૂ એક શખ્સ પોલીસ પકડથી દૂર છે.