ઉધનામાં બીઆરટીએસ રુટમાં દોડતી રીક્ષા ચાલક અને સાગરીતોએ બસ ચાલક પર કર્યો હુમલો
સુરત પાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસમાં અત્યાર સુધી ડ્રાઈવર અને કંડકટરની દાદાગીરી જોવા મળતી હતી પરંતુ આજે ઉધના વિસ્તારમાં કેટલાક રિક્ષાચાલકોએ પાલિકાની બસના ડ્રાઈવર અને બસ પર હુમલો કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. ઉધનામાં બીઆરટીએસ રૂટમાં દોડતી રીક્ષા ચાલક અને સાગરીતોએ બસ ચાલક પર કર્યો હુમલો કર્યો હતો. બસમાં મુસાફરો હતા તેઓ આ હુમલાથી ગભરાઈ ગયા હતા. જોકે, બસના સીસી કેમેરામાં હુમલાખોરો ઝડપાયા, પોલીસ ફરિયાદ કરવા કવાયત શરુ થઈ ગઈ છે.
સુરત પાલિકાના બીઆરટીએસ બસ અને સીટી બસના ડ્રાઈવરકો રફ ડ્રાઈવિંગ, સ્ટેન્ડ વિના બસ ઉભી રાખવી કે અકસ્માત માટે કુખ્યાત છે અને બસ ડ્રાઈવર તથા કંડકટર ની દાદાગીરીના કિસ્સા અનેક બહાર આવી ચુક્યા છે. પરંતુ આજે ઉધના બીઆરટીએસ રૂટ પર આવા માથાભારે બસ ડ્રાઈવરને માથાભારે રીક્ષા ચાલકો મળી ગયા હતા. રીક્ષા ચાલક અને સાગરીતો એ હુમલો કરતા બસમાં મુસાફરી કરતા મુસાફરો ગભરાઇ ગયા હતા.
આ અંગે મળતી વિગત અનુસાર આજે સવારે સચીન થી કામરેજ તરફ જઈ રહેલી બીઆરટીએસ બસ પાંડેસરા ખાતે દક્ષેશ્વર મહાદેવ મંદિર બીઆરટીએસ રૂટમાં પસાર થઈ રહી હતી. આ દરમિયાન આગળ ચાલી રહેલી રિક્ષાના ચાલકને બસ ચાલક ઓજસ રાઠોડ દ્વારા હોર્ન મારવામાં આવતાં રીક્ષા ચાલકે પિત્તો ગુમાવ્યો હતો. ઉધના ગુરુદ્વારા પાસે રિક્ષા ચાલકે બીઆરટીએસ રૂટમાં જ રીક્ષા આંતરીને મુકી દીધી હતી અને ત્યારબાદ રિક્ષામાં સવાર તેના સાતથી આઠ જેટલા સાગરિતો દ્વારા બસ ચાલક પર હુમલો કર્યો હતો. રિક્ષા ચાલક દ્વારા બસમાં ભારે તોડફોડ કરવાની સાથે ઈમરજન્સી એક્ઝીટ વિન્ડોનો ગ્લાસ પણ તોડી નાખ્યો હતો. અચાનક થયેલા હુમલાના કારણે બસમાં મુસાફરી કરતા મુસાફરો ગભરાઇ ગયા હતા.
જોકે, બસમાં સીસી કેમેરા મુક્યા હોય હુમલો કરનારા રીક્ષા ચાલકોની હરકત આ કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ અંગે પાલિકાએ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કવાયત શરૂ કરી છે.