ગુજરાતના આ ગામમાં અંગ્રેજો ટીમ પાડીને ક્રિકેટ રમતા, મેચ જોવા લોકોના ટોળા ઉમટી પડતા
ગામ લોકોને ક્રિકેટના સ્થાને દોડ,રસ્સા ખેચ જેવી દેશી રમતો રમાડતા
સ્પર્ધાના આગલા દિવસે પરેડ ગ્રાઉન્ડમાં પ્રેકટિસ પણ કરતા
અમદાવાદ, 12 એપ્રિલ,2023,ગુરુવાર
હાલમાં આઇપીએલ ચાલી રહયો છે. પરીક્ષાઓ પુરી થયા બાદ ઉનાળું વેકેશનમાં ગલી ક્રિકેટનો પણ માહોલ જામતો હોય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે આજથી 110 થી વધુ વર્ષ પહેલા આમ પ્રજા નહી પરંતુ અંગ્રેજ અધિકારીઓ ટીમ પાડીને ક્રિકેટ રમતા હતા.ઇસ 1911 માં કચ્છના નાના રણની કાંધી પર આવેલા ખારાઘોડા ગામમાં અંગ્રેજોની એક ક્રિકેટ ટીમ સક્રિય હતી.ગુજરાતમાં સોલ્ટ ડિપાર્ટમેન્ટની સત્તાવાર ટીમ વતી અંગ્રેજ અફસરો ગામના પરેડ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ઉતરી પડતા હતા.સ્પર્ધાના આગલા દિવસે પરેડ ગ્રાઉન્ડમાં પ્રેકટિસ પણ કરતા હતા.એ સમયે મેચને ગામના લોકો ક્રિકેટને બેટ દડાની રમત કહેતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગામના સ્થાનિક લોકો ક્રિકેટ રમતમાં ભાગ લેતા ન હતા.એ સમયે અંગ્રેજ અફસર સ્થાનિક લોકોથી અંતર રાખતા,આથી સ્થાનિક લોકોેને પણ ક્રિકેટ રમવામાં સંકોચ થતો હતો.જો કે વાર તહેવારે કે રજાનો દિવસ હોય ત્યારે યોજાતી અંગ્રેજોની ક્રિકેટ સ્પર્ધા જોવા માટે લોકો જરુર ઉમટી પડતા હતા.લોકલ પ્રેક્ષકોની હાજરી વચ્ચે લગાન ફિલ્મ જેવો માહોલ ઉભો થતો હતો. આ પરેડ ગ્રાઉન્ડ આજે પણ તે વાતની સાક્ષી પૂરે છે. જો કે આ ગ્રાઉન્ડ પર ગામ લોકો માટે દેશી રમતોનું પણ આયોજન થતું હતું.
ગામ લોકોના જણાવ્યા મુજબ અંગ્રેજો ભલે ક્રિકેટ રમતા પરંતુ ગામ લોકોને દોડ,રસ્સા ખેચ,લોટ ફૂંકણિયા જેવી દેશી રમતો રમાડતા હતા. વર્ષમાં એક વાર દેશી રમતોને પ્રોત્સાહન આપવા માટે મીઠું પકવતા અગરિયાઓ માટે સ્પોર્ટસ મિટનું પણ આયોજન કરવામાં આવતું હતું. આમ પણ ગુજરાતનો ક્રિકેટ સાથેનો નાતો ખૂબજ જુનો છે કારણ કે ભારતમાં ક્રિકેટ મેચની શરુઆત ખંભાતના અખાતમાં અંગ્રેજો અને નાવીકો વચ્ચે થઇ હતી. મુંબઇમાં જયારે ધર્મ અને જાતિ આધારિત ક્રિકેટ નહી રમવું જોઇએ એવા મહાત્મા ગાંધીના સૂચનમાંથી રણજી મેચની શરુઆત થઇ હતી.