નવી સિવિલમાં વિદેશની અત્યાધુનિક પ્રોસિજરથી દર્દીની તકલીફ દૂર કરાઇ
- ખાનગી હોસ્પિટલ આ સારવારના રૃ. 50 થી 60 હજાર ખર્ચ થાય પણ સિવિલમાં વિનામૂલ્યે દર્દીની સમસ્યા દૂર
સુરત :
વેડરોડની મહિલાને હાથના ખભામાં તકલીફ હોવાથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવી હતી. ત્યાં ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરે વિદેશની અત્યાધુનિક હાઈડ્રો ડાયલેટેશન પ્રોસિજર કરી દર્દીની તકલીફ દૂર કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ વેડ રોડ ખાતે સુમન કુંજ આવાસમાં રહેતા ૪૮ વર્ષીય નંદાબેન પ્રવીણભાઈ રેવર છ માસ પહેલા જમણા હાથમાં સ્નાયુ ફાટી ગયા હોવાથી તકલીફ થઈ હતી. જેથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની ઓપીડીમાં લાવતા સારવાર શરૃ કરી હતી. ત્યારબાદ ડાબા હાથમાં ખભાના ભાગે તકલીફ શરૃ થઈ હતી. જેના લીધે તેનો હાથ પૂરો ઉચકા તો ન હતો. એટલું જ નહીં પણ તેમનાથી કોઈ વસ્તુ બહુ ઊંચકી શકતા ન હતા. આવી તકલીફ હોવાથી ફરી સારવાર માટે થોડા દિવસ પહેલા નવી સિવિલમાં ઓર્થો. વિભાગની ઓપીડીમાં આવ્યા હતા. શનિવારે સિવિલના ઓર્થો.ના ઓપરેશન થિયેટરમાં નંદાબેનને લઈ ગયા હતા. ત્યાં તેમને એનેસ્થેસીયા આપ્યા બાદ ડૉ.વિશાલ માંડલેવાલા વિદેશની અત્યાધુનિક હાઈડ્રો ડાયલેટેશન પ્રોસિજર કરી હતી જેમાં નીડલનો ઉપયોગ કરી ૧૫ થી ૨૦ મિનિટ સુધી પ્રોસીજર કરવામાં આવી હતી. બાદમાં દર્દીનો હાથ મુમેન્ટ કરવા લાગ્યો હતો અને તેમને દુઃખાવામાં ખુબજ રાહત મળી હતી. તેમની તકલીફ દૂર થતા તેમને રાહતનો શ્વાસ લીધો હતો. મહત્વની વાત એ છે કે, આ પ્રોસિજરમાં દર્દીને ટાંકા લેવા કે ચિરા પાડવાની જરૃર નથી. માત્ર એક નીડલ કે ઇન્જેકશનનો ઉપોયગ કરવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં આ પ્રોસિઝર કરી સારવારના રૃ.૫૦ થી ૬૦ હજાર ખર્ચ થાય છે. પણ સિવિલમાં વિનામૂલ્યે દર્દીની સમસ્યા દૂર કરી છે. આ પ્રોસિજર વિદેશની હોસ્પિટલમાં શિખવા ગયા હોવાનું ડૉ.વિશાલ માંડલેવાલાએ જણાવ્યું હતુ.