રીવર્ટ પોઇન્ટના નામે રત્નકલાકારના બે બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 1.46 લાખ તફડાવ્યા
- આર.બી.એલ ક્રેડિટ કાર્ડના વિભાગના નામે ભેજાબાજે ખેલ કર્યોઃ ઓટીપી મોકલાવ્યાના ગણતરીની મિનીટમાં ત્રણ ટ્રાન્જેક્શન કર્યા
સુરત
વરાછા વિસ્તારના કારખાનામાં નોકરી કરતા રત્નકલાકારને આર.બી.એલ ક્રેડિટ કાર્ડના ડિપાર્ટમેન્ટમાંથી વાત કરૂ છું એમ કહી રીવર્ટ પોઇન્ટના નામે ઓટીપી મોકલાવી મોબાઇલ હેક કરી આઇડીએફસી બેંક અને આર.બી.એલ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ. 1.46 લાખ ઉપાડી લેનાર ભેજાબાજ વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
વરાછા ઉમીયાધામ મંદિર નજીક હીરાના કારખાનામાં નોકરી કરતા પ્રેમલ ચંદુભાઇ પટેલ (ઉ.વ. 44 રહે. શ્રીજી રેસીડન્સી, છાપરાભાઠા-અમરોલી રોડ, સુરત) ઉપર ગત 9 માર્ચે અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે મે આર.બી.એલ ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટ સે બાત કર રહા હું, આપ કે ક્રેડિટ કાર્ડ મે રીવર્ટ પોઇન્ટ આયા હે, આપ કો ચાહિએ તો બોલો. ત્યાર બાદ ગણતરીની મિનીટોમાં બે વખત કોલ આવ્યો હતો અને રીવર્ટ પોઇન્ટ માટે પ્રેમલના મોબાઇલ ઉપર આઇડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ સંબંધિત ઓટીપી આવ્યો હતો. જેની ગણતરીની મિનીટોમાં જ પ્રેમલના આઇડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 20,301 અને રૂ. 60,901 અને આરબીએલના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 65,533 મળી કુલ રૂ. 1.46 લાખ કપાય ગયાનો મેસેજ આવ્યો હતો.