કેનેડાની કોલેજ ફી, રહેવાની વ્યવસ્થાના નામે વરાછાના વેપારી સાથે રૂ. 13.50 લાખની ઠગાઇ
- વેપારીનો ભત્રીજો કોલેજ પહોંચ્યો ત્યારે ખબર પડી કે ફી ભરાઇ નથીઃ ટેક્નિકલ કારણ છે, ફરી ભરી દઇશ કહ્યા બાદ ખોટા કેસમાં ફસાવવા ધમકી
સુરત
વરાછા એ.કે. રોડના વેપારીના ભત્રીજાની કેનેડાની હમબર કોલેજ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ એડવાન્સ લર્નિંગ કોલેજમાં ફી ભરવાની સાથે રહેવાની વ્યવસ્થા કરાવી આપવાની લાલચ આપી રૂ. 13.50 લાખ પડાવી લીધા બાદ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવાની સાથે ઘર ખાલી કરી ભુગર્ભમાં ઉતરી જનાર ભેજાબાજ વિરૂધ્ધ ઉત્રાણ પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
વરાછા એ.કે. રોડ સ્થિત હરિઓમ એપાર્ટમેન્ટમાં અમર સેલ્સ એજન્સી નામે નળ સપ્લાયનો ધંધો કરતા જીતેન્દ્ર ધનજી પટેલ (ઉ.વ. 48 રહે. મણીનગર સોસાયટી, એ.કે. રોડ, વરાછા અને મૂલ. ડમરાળા, તા. ભેંસાણ, જૂનાગઢ) એ ભત્રીજા સાહિલ રાકેશ પટેલને કેનેડાની હમબર કોલેજ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ એડવાન્સ લર્નિંગમાં એડમિશન લીધું હતું. યુનિવર્સિટીની ફી ભરવા માટે પરિચીત ભીખાભાઇ ધાંધલ હસ્તક હાર્દિક દામજી બદરૂકીયા (રહે. મંત્ર હોમ્સ, અબ્રામા રોડ, મોટા વરાછા) નો સંર્પક કર્યો હતો. હાર્દિકે કેનેડાની ગણી કોલેજ અને યુનિવર્સિટીમાં પોતાના સંર્પક છે અને ફી ભરવાની સાથે રહેવાની વ્યવસ્થા પણ કરી આપશે. હાર્દિકની લોભામણી વાતમાં આવી જીતેન્દ્રએ ગત નવેમ્બરમાં રોકડા રૂ. 9 લાખ અને બાકીના ઓનલાઇન થકી કુલ રૂ. 13.50 લાખ મિત્ર ભીખુભાઇ હસ્તક આપ્યા હતા. હાર્દિકે ફી પેટેની રકમ મળી ગઇ હોવાની ખાતરી કર્યા બાદ ઉપરોકત જણાવેલ કોલેજમાં 17,083 કેનેડીયન ડોલર એટલે કે રૂ. 10.42 લાખ ભર્યાની રસીદ વ્હોટ્સએપમાં મોકલાવી હતી. ફી ભરાય જતા રાકેશ અભ્યાસ અર્થે કેનેડા સ્થિત હમબર કોલેજ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ એડવાન્સ લર્નિંગ ખાતે ગયો હતો. પરંતુ ત્યાં તપાસ કરતા ફી ભરવાની બાકી હોવાનું જાણવા મળતા રાકેશ ચોંકી ગયો હતો અને તુરંત જ કાકા જીતેન્દ્ર પટેલને ફોન કર્યો હતો. જીતેન્દ્રએ હાર્દિકને ફોન કરતા ટેક્નિકલ ખામીના કારણે ફી રીટર્ન થઇ છે, તમે ટેન્શન નહીં લો, હું બીજી વખત ફી ભરી આપીશ એમ કહી ધક્કે ચડાવ્યા બાદ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવા ઉપરાંત ઘર ખાલી કરીને ભાગી ગયો હતો.