સોનામાં રોકાણ કરાવવાના નામે ભાવનગરના આધેડ સાથે રૂ. 1.10 કરોડની ઠગાઈ
- ફેસબુક ફ્રેન્ડ દ્વારા તગડા નફાની લાલચ આપી રોકાણ કરાવ્યું
- મોટું રોકાણ કરાવ્યા બાદ નફાની રકમ ઉપાડવા માટે રૂ. 67 હજાર ભરાવ્યા છતાં નફાની રકમ ન મળતાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ નોંધાવી પોલીસ ફરિયાદ
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના ચિત્રા જીઆઇડીસી ક્વાર્ટર બી/૦૯ માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યોગેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહિલ ( ઉં.વ. ૫૦ ) ને જુન ૨૦૨૪ માં ફેસબુક ઉપર અનિકા શર્મા નામના આઈડી ધરાવતા વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી અને ફેસબુક મેસેન્જર દ્વારા વાત કરતી હતી તેમજ ફેસબુકમાં પોતે ફાઇનાન્સિયલ એડવાઈઝર તરીકે અલગ અલગ કંપનીની જાહેરાત મોકલી આપી અને અલગ અલગ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારો એવો નફો મળે છે તેમ જણાવી ફેસબુક મેસેન્જર ઉપર એક લીંક મોકલી હતી જેમાં સોનામાં ઓનલાઇન રોકાણ અને ટ્રેડિંગ કરવાથી રોજે રોજ ૦.૬% થી એક ટકા સુધી યુએસડીટી પ્રોફિટ મળશે તેમ જણાવ્યું હતું. યોગેન્દ્રસિંહ રોકાણ માટે રસ દાખવતા તેણે મો. નં.૭૩૫૮૨૧૯૪૫૧ પરથી વોટ્સએપ મેસેજ કરી રજીસ્ટ્રેશન કરવાનું કહેતા તેમનું એકાઉન્ટ બનાવ્યું હતું અને લિંક વાળી કંપની Goldman Sachs global financial (gsgf)ના આનલાઇન કસ્ટમર સપોર્ટના ચેટ હેડ મારફત આપવામાં આવેલ બેન્ક ખાતાની વિગતો મુજબ યોગેન્દ્રસિંહે તેમના બેન્ક ખાતામાંથી અલગ અલગ સમયે ૧૦ જેટલા ટ્રાંજેકશન કરી કુલ રૂ.૧,૧૦,૫૦,૦૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા.આ રોકાણ કર્યા બાદ તેમના એકાઉન્ટમાં દર્શાવેલ વોલેટમાં દરરોજ થતા નફા પેટે યુ.એસ.ડી.ટી. ૨૪૩૬૯૫ દર્શાવતું હતું.નફાનો આ ભાગ ઉપાડવા માટે યોગેન્દ્રસીંહ ગોહિલે કંપનીના ઓનલાઇન કસ્ટમર સપોર્ટ ચેટ હેડ મારફત રજૂઆત કરતા ઇન્ટરનેશનલ એન્ડ ધ અન ડીસ્કલોઝડ ફોરેન ઈનકમ એન્ડ એસેટ લો અન્વયે રિસ્ક માર્જીન ભર્યા બાદ ફંડ ઉપાડી શકાશે તેમ જણાવી તેમના જમા ફંડના ૩૦ ટકા લેખે રૂ.૬૦,૬૭,૯૬૪ ભરવાનો ઇમેઇલ કર્યો હતો.આથી યોગેન્દ્રસિહે ગત તા.૦૫ અને ૦૬/૧૨/૨૦૨૪ ના રોજ રૂ.૫૦,૦૦૦ અને ત્યાર બાદ કંપની કન્વર્ઝન ફી અને ૫ ટકા રકમ ઉપાડવાની ફી પેટે વધુ રૂ.૧૭,૦૦,૦૦૦ આર.ટી.જી.એસ. દ્વારા ભર્યા હોવા છતાં આજ સુધી તેમના નફાનો ભાગ ઉપાડવા નહિ દઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.આ અંગે યોગેન્દ્રસ્સિંહ અરવિંદસિંહ ગોહિલે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૧૯(૨) અને આઇ.ટી. એક્ટની કલમ ૬૬(ડી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદીના એકાઉન્ટમાં મોટી રકમનો પ્રોફિટ જમા બોલે છે
ભાવનગરના યોગેન્દ્રસિંહ ગોહિલે જે કંપનીમાં રોકાણ કર્યું છે તે આઇ.ડી. આજે પણ શરૂ છે અને તેમના એકાઉન્ટમાં વોલેટમાં યુ.એસ.ડી.ટી. ૪૬૯૫૮૯.૨૭ ફંડ જમા દર્શાવે છે.આ ફંડ મેળવવા માટે તેમણે મોટી રકમ ભરી હોવા છતાં તેમને નફાનો ભાગ આજ દિન સુધી મળ્યો નથી.
ફેસબુક એકાઉન્ટ ઘારકનું મેસેન્જર પણ બંધ થયું
યોગેન્દ્રસિંહ ગોહિલે અનીકા શર્મા નામના ફેસબુક એકાઉન્ટ ધારક મારફત રોકાણ કર્યું હતું તે એકાઉન્ટ ધારક યોગેન્દ્રસિંહ સાથે વોટ્સએપ મારફત વાત કરે છે પરંતુ તેનું ફેસબુક મેસેન્જર બંધ થઈ ગયું હોવાનું ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું.