પિતાની બીમારીનાં નામે ગઠીયાની 2 પરિચિતો સાથે રૂ. 2.77 લાખની ઠગાઇ

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
પિતાની બીમારીનાં નામે ગઠીયાની 2 પરિચિતો સાથે રૂ. 2.77 લાખની ઠગાઇ 1 - image


કુવાડવા રોડ પર રહેતા આરોપી સામે ગુનો નોંધાયો NGOમાં સાથે કામ કરતાં બે જણાને પિતાની બાયપાસ સર્જરી કરાવવાના બહાને શીશામાં ઉતાર્યા

રાજકોટ, : કુવાડવા રોડ પર ડી-માર્ટની પાછળ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા મિલાપ મનસુખ ગજેરાએ પોતાના પિતા બિમાર હોવાનું કહી બે જણા સાથે રૂ. 2.77 લાખની ઠગાઇ કર્યાની બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પેડક રોડ પરના નારાયણનગરમાં રહેતા રાજન નરેશભાઇ પંડયા (ઉ.વ. 21)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ઘરેથી કોમ્પ્યુટર જોબવર્કનું કરે છે. તેના પિતા મકાન બાંધકામનું કામ કરે છે. પોતે એનજીઓમાં સેવા આપે છે. ચારેક વર્ષ પહેલા મિલાપ સાથે મુલાકાત થઇ હતી. જે તેની સાથે ઘણીવાર સેવા કરવા અને ડોનર તરીકે આવતો હતો. ગઇ તા. 18 જુલાઇના રોજ મિલાપ તેને મળ્યો હતો અને કહ્યું કે તેના પિતાને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેની બાયપાસ સર્જરી કરાવવાની છે. જે માટે રૂ. 50,000 ની જરૂર છે. જેથી તેને રૂ. 50,000 આપ્યા હતા. થોડીવાર બાદ ફરીથી રૂ. 21,000ની માંગણી કરતાં તે રકમ પણ આપી દીધી હતી.

બીજા દિવસે ફરીથી કોલ કરી દવા લેવા માટે રૂ. 23,000ની માંગણી કરતાં તે રકમ પણ આપી હતી. ત્રીજા દિવસે ફરીથી કોલ કરી જણાવ્યું કે તેના પિતાની બાયપાસ સર્જરી ફેઇલ થઇ છે, જેથી તેને મુંબઇ લઇ જવાના છે. જે માટે રૂ. 86,000 ની જરૂર છે. તેની વાતમાં આવી તેને રૂ. 86,000 પણ ઓનલાઇન આપી દીધા હતા. તે વખતે મિલાપે જુલાઇના અંતમાં પૈસા આપી દેવાની ખાતરી આપી હતી. 

જો કે બાદમાં તેના કોલ રીસીવ કરવાનું બંધ કરી દીધું હતું. આજ રીતે તેના એનજીઓમાં કામ કરતાં દિપ અરવિંદભાઇ વાછાણી (રહે. યોગેશ્વર પાર્ક, સાધુવાસવાણી રોડ) પાસેથી પણ મિલાપે દવાખાનાનું બહાનું બતાવી કટકે કટકે રૂ. 97,000 લઇ લીધા હતા. આખરે તેણે મિલાપના પિતાને કોલ કરીને પૂછતા કહ્યું કે તે ક્યારેય બીમાર પડયા નથી, તેનો પુત્ર ઘરે આવતો નથી.  આ રીતે મિલાપે છેતરપીંડી કર્યાનું સ્પષ્ટ થતાં તેના વિરૂધ્ધ બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News