ભજનના નામે ટ્રેક્ટરમા લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યાનો આરોપી જેલમાંથી ફરાર થતા ઝડપાયો
Image: Freepik
વડોદરા નજીક ભરૂચ જિલ્લાના વાગરા ખાતે વર્ષ 2012માં એક પુરુષની હત્યાના બનાવમાં સજા ભોગવતો કેદી જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ જતા તેને વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે.
વાગરા પોલીસ સ્ટેશનના સડથલા ગામ પાસે વર્ષ 2012 માં બનેલા બનાવની વિગત એવી છે કે, ગામના કેટલાક લોકો ટ્રેક્ટરમાં ભજન કરવા માટે બીજા ગામે જતા હતા ત્યારે એક પુરુષ ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. મરનારને નાળા પાસે ફેંકી દેવામાં આવ્યો હતો.
આ ગુનામાં પ્રવીણ વિઠ્ઠલભાઈ રાઠોડ (સારણગામ, તા વાગરા) ને આરોપી તરીકે પકડવામાં આવ્યો હતો. જેનો કેસ ચાલી જતા વર્ષ 2014માં તેને સજા ફટકારવામાં આવી હતી.
ગઈ તા. 6 નવેમ્બરે 14 દિવસ માટે પેટ્રોલ પર છૂટેલો કેદી ફરી હાજર નહીં થતાં જેલ સત્તાધીશો એ પોલીસને જાણ કરી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ ને આરોપી વિશે માહિતી મળતા તેને ઝડપી પાડી જેલને હવાલે કરવા તજવીજ કરી છે.