ગિરનાર પરિક્રમામાં માનવ મહેરામણ ઉમટી પડયો, તમામ પડાવો ભરચક્ક
3.50 લાખથી વધુ યાત્રિકોએ નળપાણીની ઘોડી વટાવી : વિધિવત શરૂ થાય એ પૂર્વે 2 લાખથી વધુ યાત્રિકોએ તો પરિક્રમા પૂર્ણ પણ કરી લીધી, પરિક્રમાનું ઉદ્દઘાટન માત્ર નામનું
જૂનાગઢ, : જૂનાગઢના ગિરનારની પરિક્રમાનો આજે રાત્રીથી વિધિવત પ્રારંભ થયો હતો. પરંતુ તે પૂર્વે જ પરિક્રમા કરવા માટે આજે પણ માનવ મહેરામણ ઉમટી પડયો હતો. આજે રાત સુધીમાં 3.50 લાખથી વધુ યાત્રિકોએ તો નળપાણીની ઘોડી વટાવી લીધી હતી. તેમાંથી બે લાખ જેટલા યાત્રિકોએ તો પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી. આજે રાત સુધી ભરડાવાવથી પરિક્રમાના પ્રવેશદ્વાર સુધી લોકોની કતારો જોવા મળી હતી.
ગિરનારની પરિક્રમા વિધિવત શરૂ થાય તે પહેલા ગઈકાલે વહેલી સવારના 4 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. ગઈકાલથી જ મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડયા છે. જ્યારે આજે પણ વહેલી સવારથી જ જૂનાગઢ શહેરથી તળેટી તરફ યાત્રિકોનો પ્રવાહ સતત વહેતો રહ્યો હતો અને પરિક્રમાના પ્રવેશદ્વાર પર થઈને લોકોએ પ્રકૃતિના ખોળે પહોંચ્યા હતા અને અન્નક્ષેત્રોમાં ભોજન પ્રસાદ લીધો હતો અને ત્યારબાદ જય ગિરનારીના નાદ સાથે પરિક્રમા રૂટ પર પ્રયાણ કર્યું હતું.
આજે રાત સુધીમાં વનવિભાગના નળ પાણીની ઘોડી ખાતેના ગણતરી પોઇન્ટ પર 3.50 લાખથી વધુ યાત્રિકો નોંધાયા હતા. તેમાંથી 2 લાખ જેટલા યાત્રિકોએ તો પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી અને પરત ભવનાથ તળેટી પહોંચી ગયા હતા.
જ્યારે આજે સવારથી જ પરિકમા કરવા માનવ મહેરામણ ઉમટી પડયો હતો. આજે ભવનાથ તળેટી, ઝીણાબાવાની મઢી, માળવેલા અને બોરદેવી તેમજ આસપાસના સ્થળો યાત્રિકોથી ભરચક રહ્યા હતા. આજે રાત સુધીમાં ભવનાથ તળેટીથી મઢીથી નળપાણીની ઘોડી વચ્ચે 5 લાખ યાત્રિકો હોવાનો અંદાજ છે. આમ, ગિરનારની ગોદમાં હાલ જય ગિરનારીના નાદ સાથે મંગલમય માહોલ સર્જાયો છે અને યાત્રિકો તમામ ચિંતાથી મુક્ત બની પ્રકૃતિના ખોળે વિહાર કરી રહ્યા છે.
નળપાણી ઘોડી ખાતે તંત્ર દ્વારા થતી ગણતરી કલાકમાં સરેરાશ 19,000 જેટલા પરિક્રમાર્થીઓ પસાર અનીચ્છનીય બનાવો ખાળવા માટે બોરદેવી તથા જીણાબાવાની મઢી ખાતે એનડીઆરએફ તહેનાત
પરિક્રમામાં આવતા યાત્રિકોની ગણતરી માટે વન વિભાગ દ્વારા નળપાણીની ઘોડી ખાતે પોઈન્ટ રાખવામાં આવ્યો છે. આ સ્થળ ગીચ અને ઢાળવાળો હોવાથી ત્યાં ગણતરીનો ચોક્કસ અંદાજ આવે છે. આજે દિવસ દરમ્યાન એક કલાકમાં સરેરાશ ૧૯ હજાર જેટલા યાત્રિકો પસાર થયા હોવાનું નોંધાયું હતું. પરિક્રમા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા બે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એક ટીમને પ્રથમ પડાવ જીણાબાવાની મઢી ખાતે તથા બીજી ટીમને અંતિમ પડાવ બોરદેવી ખાતે તૈનાત રાખવામાં આવી છે.