રાજકોટના મહોત્સવમાં ગાંધીજી, તિરંગા સહિત મહાકાય પતંગો આભમાં લહેરાઈ
મકરસંક્રાંતિની મોજઃ પતંગ,દોરા,શેરડી,બોર,જીંજરાથી છલકાતી બજારો : દેશ-વિદેશના પતંગવીરોએ ગરબા લીધા, રામધૂનની સાથે ફિલ્મી ગીતો પણ વાગ્યા, ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ ટૂંકુ પડયું
રાજકોટ, : રાજકોટમાં આજે વિવિધ દેશોના 38 પતંગબાજો સાથે યાજ્ઞિાકરોડ પર ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં મહાપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો જેમાં વિદેશોની ડ્રેગન, ગેટમેન ઉપરાંત મહાત્મા ગાંધીજી,તિરંગા, ગૌમાતા સહિતની મહાકાય પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું. તો પતંગોત્સવની બીજી તરફ સૌરાષ્ટ્રભરમાં સ્વયંભુ ઉત્તરાયણ ઉત્સવનો રંગ જામી રહ્યો છે.
આજે શહેરમાં પવનની ગતિ કલાકના 15થી 20 કિ.મી.ની ઝડપે તીવ્ર રહી હતી જેના કારણે પતંગોત્સવ જામ્યો હતો. જર્મની, ઈરાક, મલેશિયા, ઈઝરાયેલ, ઈટાલી, જોર્ડન, કોરિયા, નપાળ, નેધરલેન્ડ, યુ.કે સહિત દેશોના પતંગબાજો ઉપરાંત બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ સહિતના 14 અને ગુજરાતના અન્ય જિલ્લામાંથી 58 સહિત કૂલ આશરે 110 પતંગબાજોએ વિશાળકાય કદની પતંગોને આકાશમાં લહેરાવી હતી.આ પતંગો ઉડાડવા સહેર મધ્યે આવેલું ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ પહેલેથી જ ટૂંકુ પડે છે છતાં તંત્રને અન્ય વિશાળ ખુલ્લુ મેદાન મળ્યું ન્હોતું.
પતંગોત્સવ સાથે રણછોડ રંગીલા નૃત્ય વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયું હતું અને સૌરાષ્ટ્રની આગવી ઓળખ એવા ગરબામાં મહાનુભાવોથી માંડીને વિદેશી પતંગબાજો પણ ઝૂમ્યા હતા. મ્યુઝીક સીસ્ટમ પરથી રામધૂનની સાથે ફિલ્મી ગીતો પણ વાગતા હતા. દરમિયાન, મકરસંક્રાંતિને મોજથી માણવા મન શહેરીજનોએ બનાવી લીધું છે અને લોકોની ડિમાન્ડ પારખીને બજારમાં પતંગ,દોરા અને હવે અવનવા દૂરબીન, ચશ્મા, ફૂગ્ગા, ઈલેક્ટ્રીક ફીરકીઓથી માંડીને શેરડી, જીંજરા, બોર, ચીકીની ખરીદી નીકળી છે.