વડોદરા કોર્પોરેશનના ચેકિંગમાં મુખવાસ અને મેંદામાં ભેળસેળ પકડાઈ
43 કિલો મુખવાસનો અને માવાનો 28 કિલો જથ્થો સીઝ
20 કિલો અખાદ્ય તેલનો નાશ કરાયો
વડોદરા, તા. 09 નવેમ્બર 2023 ગુરૂવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દિવાળીના તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરી 21 નમુના ચકાસવા માટે લીધા હતા. જેમાંથી મેંદો અને મુખવાસમાં ભેળસેળ પકડાઈ છે. આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમો દ્વારા શહેરના અલકાપુરી, ગોત્રી,સન ફાર્મા રોડ, દંતેશ્વર ,કારેલીબાગ, મકરપુરા જીઆઇડીસી ,સરદાર એસ્ટેટ ,ગોરવા, ચોખંડી, હરણી રોડ વગેરે વિસ્તારમાં આવેલી દુકાનો ,મોલ વગેરે સ્થળેથી મુખવાસ ,મીઠાઈ, ફરસાણ ,માવા ,રો મટીરીયલ વગેરેના નમુના લીધા હતા. આવા 21 નમુના ચકાસવા માટે ફતેગંજ ખાતે આવેલી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઇન્સ્પેક્શનની કામગીરી દરમિયાન 20 કિલો અખાદ્ય તેલના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો.
આ ઉપરાંત 29,800 ની કિંમત નો 43 કિલો મુખવાસનો જથ્થો તેમજ 7000 ની કિંમત નો 28 કિલો માવાનો જથ્થો સીઝ કર્યો હતો. કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાની તાકીદ બાદ અધિક આરોગ્ય અમલદાર અને ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. મુકેશ વૈદ્ય ના કહેવા મુજબ આ 21 નમુના ચકાસતા બે નમુના અનસેફ અને સબ સ્ટાન્ડર્ડ તેમજ ચાર નમૂના અનસેફ જાહેર થયા છે, એટલે કે તેમાં ભેળસેળ મળી આવી છે .જે નમૂના નાપાસ જાહેર થયેલા છે તે માટે જે તે વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે.