80ના દાયકામાં સમૃધ્ધ લોકોના ઘરે જ બ્લેક એન્ડ વ્હાઈટ TV જોવા મળતા

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
80ના દાયકામાં સમૃધ્ધ લોકોના ઘરે જ બ્લેક એન્ડ વ્હાઈટ TV  જોવા મળતા 1 - image


આજે વર્લ્ડ ટેલિવિઝન ડે : રંગીન ટીવીનો અહેસાસ કરવા લોકો સ્ક્રીન ઉપર રંગીન કાચ લગાડતા હતા : જૂના સંભારણા યાદ કરાયા 

 પોરબંદર, : 21મી નવેમ્બર એટલે વર્લ્ડ ટેલિવિઝન ડે. પોરબંદરમાં 80ના દાયકામાં સમૃધ્ધ લોકોના ઘરે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી વસાવાયા હતા. લોકો તેને ત્યાં રામાયણ, મહાભારત જેવી સીરીયલો જોવા જતા. એટલું જ નહીં પરંતુ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીના યુગમાં કલર ટીવીનો અહેસાસ થાય તે માટે ટીવી સ્ક્રીન પર રંગીન કાચ લગાડવામાં આવતો હતો.

21મી નવેમ્બર એટલે વર્લ્ડ ટેલિવિઝન ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ટીવીની શોધ થઈ એને અંદાજિત સો વર્ષ ઉપર થઈ ગયેલ. પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી ભારતમાં હતા. એશિયાડ ગેમ પછી ભારતમાં કલર ટીવીની આયાત કરવામાં આવેલ ત્યારે રીમોટ ન હતા. હાથેથી ટીવી ચાલુ બંધ કરતા અને પ્રોગ્રામ ફેરવતા. ભારતના અમુક રાજ્યમાં ટીવી સેન્ટર હતા. રાત્રે ૧૧ પછી પ્રસારણ બંધ થઈ જતું. સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત સમાજ પોરબંદર જિલ્લાના પૂર્વ મહિલા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકરે બાળપણના સંભારણા જણાવતા કહે છે કે ૧૯૯૦માં રામાયણ સિરીયલ ત્યારબાદ મહાભારત સીરીયલ ચાલુ થવાની હોય એ પહેલા જે ઘરમાં ત્યાં ટીવી હોય ત્યાં પાડોશીઓ, સગાસંબંધીઓ જોવાની મોજ માણતા. દુરદર્શન પરથી ચિત્રાહાર કે જેમાં સુપરહિટ ગીતો બતાવતા એનો પણ એક જમાનો હતો.

પહેલા પૈસાદાર વ્યક્તિના ઘરે જ ટીવી હતા અને રંગીન ટીવીનો અહેસાસ કરવા માટે લોકો સ્ક્રીન ઉપર રંગીન કાચ લગાડતા હતા અને કલર ટીવી હોય તેવો અહેસાસ કરતા હતા.

સ્પષ્ટ દ્રશ્ય માટે અગાશી ઉપર એન્ટેના આમ તેમ ઘુમાવવું પડતું !

80ના દાયકમાં એકમાત્ર દુરદર્શન ચેનલ જ લોકો નિહાળી શકતા હતા. ૯૦ના દાયકાના આરંભે ખાનગીકરણ થયા પછી ખાનગી ચેનલોની ભરમાર વધી પરંતુ દુરદર્શનના એ ગોલ્ડન પિરિયડમાં સીરીયલો કે ચિત્રાહાર સમયે અથવા ક્રિકેટ મેચ આવતો હોય ત્યારે દ્રશ્ય ઝાંખા પડી જતા એવા સમયે કુટુંબના વડીલ અગાશી ઉપર આવેલ એલ્યુમિનિયમના એન્ટેનાને આમતેમ ઘુમાવતા અને નેટવર્ક વ્યવસ્થિત મળે તે માટે પ્રયત્ન કરતા.


Google NewsGoogle News