તરસાલીમાં લારી પર શાકભાજી લેતી મહિલાના ગળામાંથી અછોડો તૂટયો
મોપેડ પર આવેલા આરોપીઓ અછોડો તોડીને ફરાર : સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૃ કરી
વડોદરા,તરસાલીમાં શાકભાજી લેતી વૃદ્ધાના ગળામાંથી એક તોલા વજનનો અછોડો તોડીને મોપેડ પર આવેલા બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
તરસાલી માધવ પાર્કમાં રહેતા ૬૦ વર્ષના રૃકમણીબેન મિશ્રીલાલ પટેલ ગઇકાલે સવારે પોણા નવ વાગ્યે ઘરેથી નીકળી ઘનશ્યામ પાર્ક સોસાયટીના નાક પાસે આવેલા શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કર્યા પછી તેઓ મંદિર પાસે રોડ પર શાકભાજી લેવા માટે ઉભા રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા યુવકો મોપેડ લઇને તેઓની પાસે આવ્યા હતા. મોપેડની પાછળ ક્રીમ કલરનું ટી શર્ટ પહેરીને બેસેલા વ્યક્તિએ તેઓના ગળામાંથી સોનાનો એક તોલા વજનનો અછોડો આંચકી લીધો હતો. વૃદ્ધાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. પરંતુ, આરોપીઓ મોપેડ પર રવિ પાર્ક તરફ ભાગી છૂટયા હતા. ટોળામાંથી કોઇએ પોલીસને કોલ કરતા પોલીસની ગાડી આવી ગઇ હતી. મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૃ કરી છે. મોપેડ ચલાવનાર આરોપીએ કાળા કલરની ટી શર્ટ પહેરી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં સોનાનો એક તોલાનો ભાવ ૮૦ હજાર જેટલો છે. પરંતુ, પોલીસે અછોડો જ્યારે ખરીદ કર્યો હતો. તે સમયની કિંમત લખી છે.
તરસાલી વિસ્તારમાં પોલીસ ચોકી પણ આવેલી છે. તેમછતાંય અવર - જવરથી ધમધમતા માર્ગ પર મહિલાનો અછોડો તોડીને આરોપીઓએ પોલીસને પડકાર ફેંક્યો છે. પોલીસ હજી સુધી એકપણ આરોપીને પકડી શકી નથી.