તરસાલીમાં વિદેશી દારૃનો ધંધો કરતો આરોપી ઝડપાયો
બે ભાઇઓ ભેગા મળીને દારૃ વેચતા હતા : ૧૭ બોટલ કબજે
વડોદરા,તરસાલીમાં વિદેશી દારૃનો ધંધો કરતા એક આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે આરોપીના ભાઇને વોન્ટેડ જાહેર કર્યો છે.
મકરપુરા પોલીસનો સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગમાં હતો. તે સમયે માહિતી મળી હતી કે, તરસાલી સ્વામિ નારાયણ મંદિરની પાછળ વિજય નગરમાં રહેતો ગરૃવિંદરસિંહ સતપાલસિંહ ચાવલા તથા તેનો ભાઇ વિક્કી સરદાર ઘરે વિદેશી દારૃનો ધંધો કરે છે. જેથી, પી.આઇ. વી.એસ. પટેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા ગુરૃવિંદરસિંહ મળી આવ્યો હતો. તેને સાથે રાખી મકાનમાં તપાસ કરતા કંપાઉન્ડની બાજુમાં શૌચાલય નજીકથી પ્લાસ્ટિકની એક થેલી મળી આવી હતી. પોલીસે તેમાંથી દારૃની ૧૭ બોટલ કબજે કરી હતી. ગુરૃવિંદરસિંહે પોલીસને જણાવ્યું હતું કે, હું અને મારો ભાઇ વિક્કી સરદાર દારૃનો ધંધો કરીએ છીએ. મારો ભાઇ કોની પાસેથી દારૃ લાવે છે? તેની મને જાણ નથી. પો.કો. કુંદનભાઇની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.