સુરતમાં મકાન માલિકે યુવતીને ઢોર માર માર્યો: વીડિયો ઉતારવાની પણ ધમકી આપી, પોલીસે ગુનો નોંધ્યો
House Owner Beat The Girl In Surat : સુરતમાં ભાડાના મકાનમાં રહેતી મુંબઈની યુવતીને મકાન માલિકે ઢોર માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. ઈવેન્ટ મેનેજમેન્ટનાં વ્યવસાય સાથે સંકળાયેલી આ યુવતી સાથે ભાડા બાબતે તકરાર કરીને મકાન માલિક સહિતના લોકોએ મારામારી કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે છેડતી અને મારામારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
યુવતીએ બે મહિનાથી ભાડુ ચુકવ્યું ન હતું
મળતી માહિતી પ્રમાણે, મુળ મુંબઈની આ યુવતી છેલ્લા કેટલાંક સમયથી સુરતમાં ભાડેથી રહેતી હતી. મકાનમાં આ યુવતી સાથે અન્ય બે યુવતી રહેતી હતી. છેલ્લા ઘણાં સમયથી મકાન માલિકને ભાડું ચૂંકવવામાં આવતું ન હોવાથી મકાન માલિક સહિતના લોકોએ ઘરે પહોંચીને ભાડા બાબતે યુવતી સાથે તકરાર કરી હતી. જેમાં મકાન માલિક સહિતના લોકો યુવતીને ઢોર મારવા લાગ્યા હતા.
મકાન માલિકે મારી નાખવાની ધમકી આપી, પીડિતાના આક્ષેપ
પીડિત યુવતીએ મકાન માલિક સહિતના લોકો પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મકાન ખાલી કરવાનું કહીને મકાન માલિકે માર માર્યો હતો. આ સાથે મકાન માલિકે જાહેરમાં કપડાં ઉતારીને વીડિયો બનાવવાની સાથે મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનામાં યુવતી ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજી તરફ, આ સમગ્ર મામલે પોલીસે ત્રણ લોકો સામે છેડતી અને મારામારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીનો કોલર પકડીને મારઝૂડ કરી
પોલીસ ફરિયાદ પ્રમાણે, યુવતી સુરતમાં લગ્નની ઈવેન્ટમાં કામ કરે છે. યુવતી જે મકાનમાં ભાડે રહેતી હતી એ મકાન તેમના કો-ઓર્ડિનેટર અસગર શેખ દ્વારા ભાડેથી લેવામાં આવ્યું હતું. જેમાં મકાનનું ભાડુ પણ અસગર ભરતો હતો. તેવામાં બંગલાના માલિક જયેન્દ્ર મનવાવાલાએ આવીને મકાન ખાલી કરવાનું કહેતા માથાકૂટ કરી હતી. જેમાં જયેન્દ્રએ યુવતીનો કોલર પકડીને મારઝૂડ કરી હતી. યુવતીને ઈજાઓ થતાં હાલ તે સારવાર હેઠળ છે.