સુરતમાં કોંગ્રેસના મુખ્ય અને ડમી બંને ઉમેદવારની ઉમેદવારી રદ કરી દેવાઇ

સવારે 9 થી બપોરે 1.30 વાગ્યા સુધીની મેરેથોન સુનાવણી બાદ

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
સુરતમાં કોંગ્રેસના મુખ્ય અને ડમી બંને ઉમેદવારની ઉમેદવારી રદ કરી દેવાઇ 1 - image



- ચૂંટણી અધિકારીએ ચારેય દરખાસ્તકર્તાની સહીમાં વિસંગતતાને પગલે હુકમ કરતા સુરતમાં કોંગ્રેસના ચૂંટણી લડવાના અભિયાનનો અંત

        સુરત

સુરત લોકસભા બેઠકની ચૂંટણીમાં છેલ્લા ૨૪ કલાકથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી  ઉમેદવારીને લઈને ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામનો અને સુરત બેઠક પરથી કોંગ્રેસના ચૂંટણી લડવાના અભિયાનનો અંત આવ્યો હતો. આજે સુરત જિલ્લા કલેકટરે દરખાસ્ત કરનાર ચારેયની  સહીઓમાં વિસંગતા જોવા મળતા નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર બંનેની ઉમેદવારી રદ કરતો હુકમ કર્યો હતો.

સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ મંજૂર થશે કે નહીં ? તેને લઈને આજે સવારે ૯-૦૦ વાગ્યાથી અઠવાલાઇન્સ જિલ્લા સેવા સદન ખાતે રાજકીય મોરચો જામ્યો હતો. ભાજપ તરફથી ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી અને વકીલો હાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીની સાથે બે વકીલો જમીર શેખ અને બાબુ માંગુકિયા હાજર રહ્યા હતા. બંને પક્ષોએ રજૂઆત કર્યા બાદ સવારે ૯-૦૦ વાગ્યાથી બપોરે ૧-૩૦ વાગ્યા સુધી ચાલેલી મેરેથોન કશ્મકશ બાદ સુરત જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.સૌરભ પારધીએ કોંગ્રેસના નિલેશ કુંભાણીના ત્રણેય ઉમેદવારી પત્રો રદ કર્યાનો હુકમ કર્યો હતો. આ હુકમમાં નોંધ્યું હતું કે, તેમની દરખાસ્ત કરનારા પૈકી રમેશભાઈ બાવચંદભાઈ પોલરાની સોગંદનામાની સહી તથા સબ રજીસ્ટ્રરાર કચેરી બારડોલી ખાતે તેમના નામે નોંધાયેલા વેચાણ દસ્તાવેજમાં સહીઓની ચકાસણી કરતા પ્રાથમિક દ્રષ્ટિએ વિસંગતતા જણાય છે. અન્ય દરખાસ્ત કરનાર જગદીશભાઈ નાનજીભાઈ સાવલીયાની સોગંદનામાની સહી અને ડ્રાઈવીંગ લાયસન્સના ઉતારામાં સહીઓની ચકાસણી કરતાં તેમાં પણ વિસંગતતા જણાય છે. જ્યારે ત્રીજાં ટેકેદાર ધુ્રવિન ધીરૃભાઈ ધામેલિયા રૃબરૃમાં હાજર રહી રજુ કરેલી સોગંદનામાની સહી અને પાનકાર્ડની સહીઓની ચકાસણી કરતા તેમાં પણ પ્રાથમિક દ્રષ્ટિએ વિસંગતતા જણાય છે. આમ તપાસના આધારે દરખાસ્ત કરનારાઓની સહીઓ જેન્યુઈન જણાતી ન હોવાથી ઉમેદવારી રદ કરાઇ છે.

આ ઉપરાંત ડમી ઉમેદવાર સુરેશભાઈ નાગજીભાઈ પડસાળાની દરખાસ્ત કરનાર વિશાલભાઈ ચીમનભાઈ કોલડીયાની સહીમાં પણ વિસંગતતા જણાતા તેમની ઉમેદવારી પણ રદ કરી દેવાતા સુરત બેઠક પરથી કોંગ્રેસના ચૂંટણી લડવાના અભિયાનનો અંત આવી જતાં આગામી દિવસોમાં સુરત બેઠક બિનહરીફ થાય તો નવાઇ નહીં.

73 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સુરતમાં કોંગ્રેસ ચૂંટણી લડી શકશે નહીં

       

સુરત લોકસભાની ચૂંટણીના ૭૩ વર્ષના ઇતિહાસમાં આ વર્ષે ૧૮મી વખત યોજાનારી ચૂંટણી મતદારો, રાજકીય પક્ષો માટે હર હંમેશ એટલા માટે યાદ રહેશે કે ૭૩ વર્ષમાં મુખ્ય પક્ષ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. આ દિવસ કોગ્રેસ માટે કાળો દિવસ ગણાશે તેવો કાર્યકરોમાં ગણગણાટ થઇ રહ્યો છે. વર્ષ ૧૯૫૧થી ચૂંટણી યોજાઇ રહી છે અને ૨૦૧૯ સુધી ૧૭ વખત ચૂંટણી યોજાઇ તેમાં કોગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડયા હતા. પરંતુ ૧૯૫૧ પછી પ્રથમ વખત એવુ બનશે કે કોગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં. આ નામોશી માટે કોણ જવાબદાર ? તે ચર્ચાનો વિષય બન્યો છે. 


Google NewsGoogle News