'ઉડતા ગુજરાત' : સુરતમાં હવે ભજીયાની લારી પર એમ.ડી. ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ, તંત્ર સામે સવાલ

કાપડ દલાલીનું કામ ચાલતું ન હોય ડ્રગ્સના બંધાણી મો.જાફર ગોડીલે મુંબઈથી ડ્રગ્સ લાવી હોડી બંગલા પર મિત્રની લારીમાં વેચવા માંડયું હતું

સાડીના કારખાનામાં છૂટક મજૂરી કરતો રાસીદ જમાલ ગ્રાહકો શોધી લાવતો હતો : ગ્રાહકો સાથે 'દવા' કોડવર્ડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
'ઉડતા ગુજરાત' : સુરતમાં હવે ભજીયાની લારી પર એમ.ડી. ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ, તંત્ર સામે સવાલ 1 - image


Surat Drugs News |  સુરતમાં હવે ભજીયાની લારી ઉપર પણ એમ.ડી. ડ્રગ્સ વેચાય છે. લાલગેટ પોલીસે ગતસાંજે હોડી બંગલાના ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક ભજીયાની લારી ઉપર રેઈડ કરી ત્યાંથી રૂ.12.57 લાખની મત્તાના 125.71 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ભજીયાની લારીના માલિક, તેના કાપડ દલાલ અને શ્રમજીવી મિત્રોની ધરપકડ કરી હતી.કામ બરાબર ચાલતું ન હોય ડ્રગ્સના બંધાણી કાપડ દલાલે મુંબઈથી ડ્રગ્સ લાવી મિત્રની લારી ઉપરથી ડ્રગ્સ વેચવા માંડયું હતું.તેમને માટે ગ્રાહક શ્રમજીવી મિત્ર શોધી લાવતો હતો. ગ્રાહકો સાથે 'દવા' કોડવર્ડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલગેટ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિલુભા નસુભાને મળેલી બાતમીના આધારે લાલગેટ પોલીસે ગત સાંજે હોડી બંગલા રાજકમલ બેકરીની ગલીમાં આશાપુરી બિલ્ડીંગની સામે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઈનુદ્દીન અંસારીની ભજીયાની લારી પર રેડ કરી હતી.પોલીસને લારીના માલિક મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી ( ઉ.વ.36, રહે.401, અફરા ટાવર, સૈયદપુરા, સુરત ), ત્યાં ઉભેલા તેના બે મિત્રો કાપડ દલાલ મોહમદ જાફર મોહમદ સિદ્દીક ગોડીલ ( ઉ.વ.38, રહે.એ-11/12, લીંક કોર્નર, નિશાત સોસાયટી, અડાજણ પાટીયા, રાંદેર રોડ, સુરત ), સાડીના કારખાનામાં છૂટક મજૂરી કરતા રાસીદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગની અંસારી ( ઉ.વ.21, રહે.402, અમન એપાર્ટમેન્ટ, ફુલવાડી, ભરીમાતા રોડ, સુરત ) પાસેથી કુલ રૂ.12,57,100 ની મત્તાનું 125.71 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળ્યું હતું;

પોલીસે તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત રૂ.75 હજારની મત્તાના ચાર મોબાઈલ ફોન, નાનો ઇલેક્ટ્રિક વજનકાંટો, 85 નંગ પુશલોક બેગ મળી કુલ રૂ.13,32,200 નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મોઈનુદ્દીન ભજીયાની લારી અને પાનનો ગલ્લો ચલાવે છે.મોહમદ જાફર ગોડીલ અને રાસીદ જમાલ ઉર્ફે બનારસી અંસારી ત્યાં બેસવા આવતા હોય ત્રણેય વચ્ચે મિત્રતા છે.તે પૈકી મોહમદ જાફર ગોડીલ અને રાસીદ જમાલ ઉર્ફે બનારસી બંને ડ્રગ્સના બંધાણી છે. કાપડ દલાલ મોહમદ જાફરને ધંધામાં મંદી હોવાથી છેલ્લા એક મહિનાથી તે મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવતો હતો અને ત્રણેય મોઈનુદ્દીનની ભજીયાની લારી ઉપર ભેગા થઈ ડ્રગ્સનું વેચાણ કરતા હતા.

'ઉડતા ગુજરાત' : સુરતમાં હવે ભજીયાની લારી પર એમ.ડી. ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ, તંત્ર સામે સવાલ 2 - image

ડ્રગ્સના વેચાણ માટે રાસીદ જમાલ ઉર્ફે બનારસી ગ્રાહક શોધી લાવતો હતો.જયારે મોહમદ જાફર જરૂરીયાત મુજબ વજન કરી પડીકી તૈયાર કરતો હતો.રાસીદ જમાલ ઉર્ફે બનારસી અને મોઈનુદ્દીન ગ્રાહકને રુબરુ મળી વેરીફાઈ કર્યા બાદ નજીકની કોઈ ગલીમાં તેને બોલાવી ડ્રગ્સની ડિલિવરી આપતા હતા.મોહમદ જમાલ પોતાનું નામ નહીં આવે તે માટે મોઈનુદ્દીનના મોબાઈલ ફોનથી જ બધા સાથે વાત કરતો હતો અને ગ્રાહકો સાથે 'દવા' કોડવર્ડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું.લાલગેટ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News