ધો.10 માં ગત વર્ષની તુલનામાં આ વર્ષે 1840 વિદ્યાર્થી વધ્યા, કુલ 37,373 પરીક્ષાર્થી
- આગામી બોર્ડની પરીક્ષાનો ધમધમાટ શરૂ
- કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ, ડીઇઓએ એક્શન પ્લાન રજૂ કર્યો
આગામી તા.ર૭મી ફેબુ્રઆરીથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨(સામાન્ય અને વિજ્ઞાાન પ્રવાહ)ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, જિલ્લા, તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વિદ્યાર્થીઓને લેવા જતી બસ કોઇપણ કારણોસર બંધ પડે તો તાત્કાલિક અન્ય બસોની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવા, વીજ પુરવઠો સતત જળવાઇ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીએ ધો.૧૦ અને ૧૨ (સામાન્ય અને વિજ્ઞાાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટેનો એકશન પ્લાન-૨૦૨૫ રજૂ કર્યો હતો. નોંધનીય છે કે, ભાવનગર જિલ્લામાં ધો.૧૦ના ૩૭,૩૭૩ ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)ના ૧૭,૩૧૮ તથા ધો-૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં ૬,૩૬૬ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધો.૧૦ માટે ૧૪૧ બિલ્ડીંગ, ૧૩૧૯ બ્લોકમાં પરીક્ષા યોજાશે. તેવી જ રીતે ધો-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માટે ૩૦ બિલ્ડીંગ, ૩૨૧ બ્લોક અને ધો-૧૨ (સામાન્ય પ્રવાહ) માટે ૬૨ બિલ્ડીંગ, ૫૭૬ બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે.
નોંધનીય છે કે, ગત વર્ષ ૨૦૨૪માં ધો.૧૦માં ત્રણ ઝોન હેઠળ ૧૩૦ બિલ્ડીંગમાં ૩૫૫૩૬ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઇ હતી જેના સ્થાને આ વર્ષે ધો.૧૦માં ત્રણ ઝોન હેઠલ કુલ ૩૭૩૭૩ પરીક્ષાર્થીઓ ૧૪૧ બિલ્ડીંગમાં પરીક્ષા આપશે. આમ ૧૮૪૦ વિદ્યાર્થીઓનો વધારો જોવા મળી રહ્યો છે જેની સામે બિલ્ડીંગો પણ વધ્યા છે. આ ૧૪૧ બિલ્ડીંગના કુલ ૧૩૧૯ બ્લોકમાં પરીક્ષા યોજાશે. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં જિલ્લાના કુલ ૧૭૩૧૮ વિદ્યાર્થીઓ નોંધાવા પામ્યા છે. જે ૬૨ બિલ્ડીંગના ૫૭૬ બ્લોકમાં પરીક્ષા આપશે. જો કે, આ વર્ષે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીની ઘટ જોવા મળી છે. જ્યારે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં આ વર્ષે ૬૩૬૬ વિદ્યાર્થી નોંધાયા છે. જે ગત વર્ષે ૫૪૯૦ હતા જેમાં ૮૭૬ વિદ્યાર્થી વધવા પામ્યા છે. આ વર્ષની ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા ૩૦ બિલ્ડીંગ કેન્દ્રોના ૩૨૧ બ્લોકમાં લેવામાં આવનાર છે જે સંપૂર્ણ પરીક્ષા સીસીટીવીની દેખરેખ હેઠળ લેવાશે. આ સાથે પશ્ચયાતાપ પેટી પણ દરેક કેન્દ્ર પર રાખવામાં આવશે. આ સાથે પોલીસ દળ, પીજીવીસીએલ સહિતના સંલગ્ન વિભાગોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
બોર્ડની પરીક્ષાને લઇ કંટ્રોલ રૂમ કાર્યરત થશે
એસએસસી, એચએસસીની જાહેર પરીક્ષા તા.૨૭ ફેબુ્રઆરીથી શરૂ થવા જઇ રહી છે ત્યારે પરીક્ષા દરમિયાન નોંધાયેલ ગેરરીતિના આંકડા, હાજર, ગેરહાજરની માહિતી, ૧૦૦ ટકા અપડેટ કરવા તેમજ પરીક્ષા દરમિયાન આવતા મેસેજ ઝોનલ અધિકારી સુધી પહોંચાડવા સહિતની કામગીરી અંગે તા.૨૬-૨થી તા.૧૭-૩ સુધી કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાશે. કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા કુલ છ સભ્યોની કમિટીની પણ રચના કરવામાં આવી છે.