Get The App

ST બસના ડ્રાઈવરના કરતૂતનો વીડિયો વાયરલ, ડેપો મેનેજરે આપ્યા તપાસના આદેશ, જાણો મામલો

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
driver of Nadiad-Ahmedabad bus made the girl sit in bus cabin


Nadiad: 'સલામત સવારી એસટી અમારી' સૂત્ર આપતી એસ.ટી. બસના ડ્રાઈવરની બેદરકારીના અનેક કિસ્સાઓ પ્રકાશિત થઈ ચૂક્યા છે. ઘણા ડ્રાઈવર સરકારી બસને પોતાની માલિકીની સમજી બેસે છે અને મુસાફરો સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરતા હોય છે. ત્યારે નડિયાદથી અમદાવાદ તરફ જતી એસ.ટી. બસના ડ્રાઈવરની કરતૂત સામે આવી છે. 

નડિયાદ અમદાવાદ રૂટની એસ.ટી. બસના ડ્રાઈવરની કરતૂત

ગુજરાત એસ.ટી.ને લાંછન લગાડવા ઉપરાંત મુસાફરોની પરવાહ કર્યા વગર જ નડિયાદ-અમદાવાદ રૂટની એસ.ટી. બસના ડ્રાઈવરે બસની કેબિનમાં એક યુવતીને બેસાડી હતી. એટલુ જ નહીં ડ્રાઈવરે યુવતી સાથે નડિયાદથી 45 મિનિટ ઉપરાંતના સમય સુધી વાતો કરતા-કરતા બસને ચલાવીને અમદાવાદ પહોંચાડી હતી. આ ઘટનાનો સમગ્ર વીડિયો મુસાફરે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરીને વાયરલ કર્યો હતો. જે બાદ લોકો એસ.ટી.. તંત્ર પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. 

ડ્રાઈવરે કેબિનમા બેસાડેલી યુવતી સંબંધી હોવાનું જણાવ્યું

આ વીડિયો નડિયાદ એસ.ટી. ડેપો મેનેજર કે.કે. પરમાર પાસે પહોંચ્યો હતો. જેની ખરાઈ કરતા વીડિયો સાચો હોવાનું માલુમ પડ્યું હતું. આ પછી પૂછપરછ કરતા કેબિનમાં બેસાડેલી યુવતી પોતાની સબંધી હોવાનું ડ્રાઈવરે જણાવ્યું હતું. જો કે કેબિનમાં મુસાફરો કે કોઈ અન્ય વ્યક્તિને બેસાડવું ગુનો હોય, આ મામલે ડેપો મેનેજર દ્વારા એસ.ટી. બસના ડ્રાઈવર સામે ખાતાકીય પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ST બસના ડ્રાઈવરના કરતૂતનો વીડિયો વાયરલ, ડેપો મેનેજરે આપ્યા તપાસના આદેશ, જાણો મામલો 2 - image


Google NewsGoogle News