ગુજરાતનું વિકાસશીલ ગામ! નદીના કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમયાત્રા કાઢવી પડી

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
Sindumbara Funeral


Sindumbara Funeral: વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાના સિંદૂમ્બર ગામના લોકોને અન્ય રોડ ઉપરથી જવા માટે 10 કિ. મી. નો ચકરાવો ખાવો પડતો હોય માન નદી પર બનાવેલ કોઝવે પરથી પસાર થવું પડે છે. ત્યારે મંગળવારે ગામમાં એક વ્યક્તિનું અવસાન થતાં કોઝવે પરથી જીવનાં જોખમે ધસમસતા પાણીના જોરદાર પ્રવાહમાંથી અંતિમયાત્રા કાઢવાની નોબત આવી હતી.

અન્ય રોડ પરથી જવામાં 10 કિલોમીટરનો ચકરાવો લેવો પડે છે

વલસાડ જિલ્લામાં ચોમાસાં દરમિયાન વરસાદી માહોલમાં કપરાડા અને ધરમપુર તાલુકાના અનેક ગામોમાં નદી પરના કોઝવે અને નાના પુલો પર પાણી ફરી વળતા ગ્રામજનોએ અન્ય રસ્તા પરથી જવા માટે 10થી વધુ કિ.મીનો ચકરાવો ખાઈને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોની આવક મેઘાલય, હરિયાણા, કાશ્મીર જેવા રાજ્યોના ખેડૂતો કરતાં પણ ઓછી

ભારે વરસાદને અનેક કોઝવે પરથી પાણી ફરી વળ્યાં છે

હાલમાં ભારે વરસાદને કારણે ધરમપુર અને કપરાડા તાલુકાના અનેક કોઝવે પરથી પાણી ફરી વળ્યાં છે, ત્યારે ધરમપુરનુ સિંદૂમ્બર ગામ કે જે એક વિકાસશીલ ગામ છે. આ ગામમાંથી પશુપાલકો રોજ ત્રણ હજાર લીટર દૂધનું ઉત્પાદન કરે છે, જેમાંથી બે હજાર લીટર દૂધ ડેરીમાં ભરવા માટે માન નદીના કોઝવે ઉપરથી જવું પડે છે.

ડાઘુઓએ જીવનાં જોખમે પસાર થવું પડયું હતુ

જ્યારે સ્મશાન ગૃહ પણ નદીને બીજે છેડે આવેલું હોવાથી કોઝવે પરથી જ સ્મશાન યાત્રા પણ કાઢવી પડે છે. શાળા-કોલેજોએ જતા વિદ્યાર્થીઓ અને નોકરી ધંધાર્થે જનારાએ પણ અહીંથી પસાર થવું પડે છે. હાલમાં ભારે વરસાદને કારણે આ કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. મંગળવારે ગામમાં એક વ્યક્તિનું અવસાન થયું હતુ. તેની સ્મશાનયાત્રાને ગામની દક્ષિણ દિશામાં આવેલા સ્મશાન ભૂમિમાં લઈ જવા માટે કોઝવે પરથી વહેતા પાણીના જોરદાર પ્રવાહમાંથી ડાઘુઓએ જીવનાં જોખમે પસાર થવું પડયું હતુ.

આ પણ વાંચો: ગુજરાતમાં રોજ સરેરાશ 223થી વધુ લોકોને હૃદયની સમસ્યા, એમાંય 20 ટકા કેસ તો ફક્ત અમદાવાદમાં

વર્ષોથી મોટો પુલ બનાવવાની રજૂઆતો કોઈ સાંભળતું નથી

સિંદૂમ્બર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ વારંવાર ધારાસભ્ય અરવિંદ પટેલ, માજી સાંસદ ડૉ.કે સી પટેલને માન નદીના કોઝવે ઉપર મોટો પુલ બનાવી આપવા માટે માંગણી કરી છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતાં ભાજપની કહેવાતી વિકાસશીલ સરકારનો વિકાસ હજુ સુધી અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો નથી એમ કહી શકાય છે.

ગુજરાતનું વિકાસશીલ ગામ! નદીના કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમયાત્રા કાઢવી પડી 2 - image


Google NewsGoogle News