સાવરકુંડલામાં પુત્રવધુએ માતાની મદદથી સાસુને મોતને ઘાટ ઉતાર્યા
ઘરકંકાસને કારણે મહિલાની હત્યા કરનાર માતા-પુત્રીની અટકાયત આંખમાં મરચાની ભૂકી છાંટી માથા, ડોક અને કપાળ ઉપર કટર ફેરવી દીધું, નોકરીએથી છૂટીને આવેલા જમાઈ ઉપર મરચાંની ભૂકી છાંટી હૂમલાનો પ્રયાસ
સાવરકુંડલા, : સાવરકુંડલાની ફ્રેન્ડસ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મહિલાની 8 માસ પૂર્વે જ પરણીને આવેલી તેમની પુત્રવધૂ તથા પુત્રવધૂ ની માતાએ આંખમાં મરચાંની ભૂકી છાંટી ઈલેકટ્રીક કટર ગળા, માથામાં ફેરવી દઈ ક્રૂર રીતે હત્યા નિપજાવતા અરેરાટી વ્યાપી છે. પોલીસે પુત્રવધૂ તથા તેની માતાની અટક કરી છે. પૂછપરછમાં પુત્રવધૂ ને તેની સાસુ સાથે વારંવાર ઝગડા થતા હોઈ મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યું છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલાની ફ્રેન્ડસ સોસાયટીમાં આવેલા પ્રસાદ નામના મકાનમાં રહેતા બીનાબેન જીજ્ઞોશભાઈ પાઠક (ઉ.વ. 50)ની હત્યા તેના જ પુત્રવધુ શ્વેતાબેન વૈભવ પાઠક (ઉ.વ. 35) તથા પુત્રવધુના માતા સોનલબેન કિરીટભાઈ શાસ્ત્રી (ઉ.વ. 52) (રહે. અમદાવાદ)એ ઘરકંકાસને લીધે આંખમાં મરચાંની ભૂકી છાંટયા બાદ ઈલે. કટર માથા, ગળા કપાળ ઉપર ફેરવી દઈ હત્યા કર્યાની ફરિયાદ મૃતકના પુત્ર વૈભવ પાઠકે સાવરકુંડલા પોલીસમાં નોંધાવી છે. તેમાં જણાવાયું છે કે ફ્રેન્ડ સોસાયટીમાં આવેલા પ્રસાદ નામના મકાનમાં બીનાબેન પાઠક તથા તેમનો પુત્ર વૈભવ રહે છે. વૈભવ બેંકમાં નોકરી કરે છે. વૈભવના લગ્ન 8 માસ પૂર્વે શ્વેતા નામની યુવતી સાથે થયા હતા. શ્વેતા અને તેના સાસુ બીનાબેન વચ્ચે અવારનવાર ઝગડા થતા હોઈ શ્વેતાએ પોતાની સાસુનો કાંટો કાઢી નાખવાનું નકકી કરી અમદાવાદથી પોતાની માતા સોનલબેન કિરીટભાઈ શાસ્ત્રીને સાવરકુંડલા બોલાવ્યા હતા અને તેમની પાસે ઈલે. કટર પણ મંગાવ્યું હતું.
ગઈકાલે સાંજે 7 વાગ્યાની આસપાસ બીનાબેનની આંખમાં મરચાંની ભૂકી છાંટી શ્વેતા તથા તેની માતા સોનલબેને ઈલે. કટર ચાલુ કરી બીનાબેનના માથે, ડોકે, આંખ પાસે તથા કપાળ ઉપર કટર ફેરવી બીનાબેનની હત્યા નિપજાવી હતી. દરમિયાન રાત્રે વૈભવ પંડયા બેંકની નોકરી પરથી છૂટીને ઘરે આવતા પોતાની માતાને લોહીલુહાણ પડેલા જોયા હતા. દરમિયાન તેના સાસુ સોનલબેને વૈભવ ઉપર મરચાંની ભૂકી છાંટી હુમલાનો પ્રયાસ કરતા વૈભવ બહાર ભાગ્યો હતો અને બહાર નિકળી 108માં તથા સાવરકુંડલા પોલીસને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે ઘસી ગઈ હતી. 108માં બીનાબેનને હોસ્પિટલે ખસેડતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે શ્વેતાબેન તથા તેની માતા સોનલબેનની સઘન પૂછપરછ કરતા બન્નેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને ઘરકંકાસને લીધે હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે મરચાંની ભૂક, લોહીના ડાઘાવાળું ઈલેકટ્રીક કટર, લોહીથી ખરડાયેલ કવર, રૂમાલ વગેરે કબજે કરી હત્યા કરનાર શ્વેતા તથા તેની માતા સોનલબેનની ધરપકડ કરી હતી. સાવરકુંડલામાં હત્યાના બનાવથી અરેરાટી વ્યાપી ગઈ હતી.